ભારત બાયોટેકને બ્રાઝિલે આપ્યો ૩૨૪ મિલિયન ડૉલરનો ઝટકો, કોવેક્સિનની ડીલ રદ્દ

699

(જી.એન.એસ.)રિયો ડિ જાનેરો,તા.૩૦
બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કરવામાં આવેલા કોવેક્સિનના સોદાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. બ્રાઝિલમાં આ ડીલને લઈને અનેક સવાલો થઈ રહ્યા હતા જેથી ૩૨ કરોડ ડોલરના આ કોન્ટ્રાક્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રી માર્સેલોએ મંગળવારે આ અંગેની જાહેરાત કરી હતી. ડીલ પ્રમાણે બ્રાઝિલે ભારત બાયોટેક પાસેથી કુલ ૨ કરોડ વેક્સિન ડોઝ ખરીદવાના હતા. પરંતુ આ સોદાને લઈ બ્રાઝિલમાં સવાલો ઉઠ્યા હતા અને રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનેરો પર ભ્રષ્ટાચાર સંતાડવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.
વ્હીસલબ્લોઅર દ્વારા સતત બ્રાઝિલ સરકારને ઘેરવામાં આવી હતી. સરકાર દ્વારા અનેક સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી હતી પરંતુ તેનાથી કોઈ જ ફરક નહોતો નોંધાયો. આખરે જ્યારે આ મુદ્દો બ્રાઝિલની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો તો બ્રાઝિલ સરકારે આ ડીલ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.જ્યાં સુધી આ કેસની તપાસ પૂરી નહીં થઈ જાય ત્યાં સુધી કોવેક્સિન માટે કરવામાં આવેલી ડીલ સસ્પેન્ડ જ રહેશે. જોકે બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વારંવાર એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ ડીલમાં કોઈ પણ પ્રકારની ગરબડ નથી કરવામાં આવેલી.
હકીકતે આ ડીલને લઈ એવા આરોપો લગાવવામાં આવ્યા હતા કે, બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી પર ભારત બાયોટેકની કોવેક્સિન ખરીદવા દબાણ બનાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ જાયરને આની જાણ હતી પરંતુ તેમ છતાં તેઓ ડીલ રોકી ન શક્યા અને બ્રાઝિલે મોંઘી કોવેક્સિન ખરીદવી પડી. બ્રાઝિલમાં જ્યારથી ડીલમાં ગરબડના સમાચાર સામે આવ્યા હતા ત્યારથી રાષ્ટ્રપતિ જાયર બધાના નિશાન પર હતા. સવાલ એ છે કે, બ્રાઝિલ પાસે ફાઈઝરની વેક્સિન ખરીદવાનો ઓપ્શન હતો પરંતુ તેણે ભારત બાયોટેક પાસેથી મોંઘી વેક્સિન ખરીદી. જો ગરબડના આરોપો સાચા સાબિત થાય તો રાષ્ટ્રપતિ જાયરની ખુરશી સામે સંકટ સર્જાય તેમ હતું.

Previous articleભારતમાં કોરોના સંક્રમણ ઘટવાની સાથે દૈનિક મૃત્યુઆંક પણ ઘટીને ૮૧૭ થયો
Next articleમહારાષ્ટ્ર સરકાર ઘરે-ઘરે જઇને કોરોના વેક્સિન આપશે