જમ્મૂના કાલચૂક અને કંજવાની વિસ્તારમાં ડ્રોન જોવા મળતા સુરક્ષાદળો એલર્ટ પર

583

(જી.એન.એસ.)જમ્મુ,તા.૩૦
જમ્મુના સૈન્ય વિસ્તારોમાં સતત ડ્રોન દેખાતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવાર સવારે કાલચૂક અને કંજવાની વિસ્તારમાં બે ડ્રોન જોવા મળ્યા. જો કે અત્યારે આની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. આ પહેલા પણ બંને વિસ્તારોમાં સોમવાર અને પછી મંગળવાર મોડી રાત્રે ડ્રોન જોવા મળ્યા હતા. જમ્મુ એરબેઝ પર ડ્રોન હુમલા બાદ સૈન્ય વિસ્તારોમાં એલર્ટ છે. ગૃહમંત્રાલયે હુમલાની તપાસ એનઆઇએને સોંપી દીધી છે.આ પહેલા જમ્મુના સૈન્ય વિસ્તારમાં મંગળવારના ડ્રોન જોવા મળ્યા હતા. સોમવાર અને મંગળવારની રાત્રે ૧ વાગ્યાથી સવારે ૪ વાગ્યાની વચ્ચે ત્રણવાર ડ્રોન જોવા મળ્યા. સૌથી પહેલા ૧ઃ૦૮ પર રતનુચક વિસ્તારમાં ડ્રોન સૈન્ય ક્ષેત્ર ઉપર જોવા મળ્યું હતું, ત્યારબાદ જવાન એલર્ટ થઈ ગયા. ત્યારબાદ ૩ઃ૦૯ વાગ્યે કુંજવાનીમાં ડ્રોન જોવા મળ્યા, પછી ૪ઃ૧૯ વાગ્યે એકવાર ફરી કુંજવાનીમાં ડ્રોન જોવા મળ્યા. એક સાથે ત્રણવાર ડ્રોન જોવા મળ્યા હોવાની જાણકારી સેનાએ પોલીસને આપી.પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવ્યું, પરંતુ ડ્રોન વિશે કોઈ જાણકારી મળી નહીં. આ પહેલા સોમવાર સવારે રતનુચક વિસ્તારમાં સેના ક્ષેત્રમાં ડ્રોન જોવા મળ્યા હતા., જેને સેનાએ હવાઈ ફાયર કરીને ખદેડ્યું. ઉલ્લેખનીય છે કે શનિવારે મોડી રાત્રે જમ્મુમાં ભારતીય વાયુસેનાના સ્ટેશન પર ૨ ડ્રોનથી વિસ્ફોટક પડાવવામાં આવ્યા હતા, જેમાં ૨ જવાન સામાન્ય રીતે ઘાયલ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનો દેશની કોઈ જગ્યા પર આ પ્રકારનો પહેલો ડ્રોન હુમલો હતો.ગૃહમંત્રાલયે એરબેઝ પર થયેલા હુમલાની તપાસ એનઆઇએને સોંપી દીધી છે. એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે, એનઆઇએ જમ્મુમાં આ મામલે એફઆઇઆર નોંધી છે. અધિકારીઓ પ્રમાણે ડ્રોન દ્વારા પાડવામાં આવેલી વિસ્ફોટક સામગ્રી આરડીએક્સ અને અન્ય રસાયણોના મિશ્રણનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોઈ શકે છે, પરંતુ આ વિશે અંતિમ પુષ્ટિ થઈ નથી.

Previous articleમહારાષ્ટ્ર સરકાર ઘરે-ઘરે જઇને કોરોના વેક્સિન આપશે
Next articleભારત નેટ યોજના માટે ૧૯ હજાર કરોડના બજેટને મંજૂરી