ફાઇનલઃ અમદાવાદમાં રથયાત્રા નીકળશે, તૈયારીઓ શરુ કરાઇ

874

રથ ખેંચનાર ખલાસીઓને વેક્સિન લેવા જણાવાયું : નેત્રોત્સવ વિધિ માટે સી.આર.પાટીલને આમંત્રણ અપાયું
(જી.એન.એસ.)અમદાવાદ,તા.૩૦
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રથ ખેંચનાર ખલાસીઓને રસી લેવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરના સેવક, ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજીએ રસી લીધી છે. ભગવાનના નેત્રોત્સવ વિધિ માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ પ્રસંગે ફરી વાર ગુજરાત મુલાકાતે આવશે. તેઓ ૧૨ જુલાઈએ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને રથયાત્રાના દિવસે સહપરિવાર ભગવાન જગન્નાથના દર્શન કરશે. અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે. ત્યારે તેઓ આ વખતે પણ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે.જોકે પરંપરા અનુસાર, રથયાત્રામાં લોકોને મગ-જાબુંનો પ્રસાદ પણ આપવામાં આવશે. મર્યાદિત લોકોની હાજરીમાં જ રથયાત્રા યોજાય એવી પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ તેમજ મહંત સાથે રથયાત્રાને લઈ દરરોજ ચર્ચા કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજયમંત્રી સહિતના નેતાઓને આમંત્રણ પણ આપવામા આવશે.આ સાથે જ બીજી તરફ ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર ખાતેના રણછોડજી મંદિર ભાણેજના સ્વાગત માટે તૈયાર છે. દર વર્ષની જેમ મામેરું અને ભાણેજનું ભાવભીનું સ્વાગત કરવા મોસાળ ખાતે તૈયારી શરૂ કરી દેવાઇ છે. બીજી બાજુ સ્થાનિક પોલીસ દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગ કરીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Previous articleભારત નેટ યોજના માટે ૧૯ હજાર કરોડના બજેટને મંજૂરી
Next articleનેસવડ નજીક ડીહાઈડ્રેશન ફેકટરીમાં વિકરાળ આગ