ઉપરોક્ત ૫ ગામમાં ટાંકીઓ બાંધવાના કામ શરૂ થઇ ગયા છે અને ૫ કરોડ જેવો જંગી ખર્ચ તેના પાછળ કરવામાં આવનાર છે. નવા વર્ષના બજેટમાં પણ શહેરી ગામોમાં માળખાકીય સુવિધા માટેની જોગવાઇ ૨ કરોડથી બેવડાવીને ૪ કરોડ કરવામાં આવી હતી. પરિણામે ઉપરોક્ત યોજનાઓમાં નાણા સંબંધિ કોઇ પ્રશ્ન ઉભા થવાના નથી. પરંતુ કામ શરૂ કરવામાં આવ્યા તેને હજુ બે મહિના જ થયા હોવાથી તે આગામી બે મહિના સુધી પૂર્ણ થવાની કોઇ શક્યતા નથી. મતલબ કે જુન મહિનો ઉતરવા આવે તે સમયે બાંધકામ પુરા થશે. દરમિયાન તાજેતરની સામાન્ય સભા વખતે કોંગ્રેસના સભ્યો દ્વારા ટાંકાના બાંધકામમાં ગુણવત્તા જળવાઇ રહી નહીં હોવાના આક્ષેપ કરવાની સાથે તેના કારણે માઠા પરિણામો ભોગવવા પડશે, તેવો મુદ્દો ઉઠાવીને તપાસની માગણી કરાઇ હતી અને મેયર દ્વારા સિટી ઇજનેરને તપાસ કરવાનો આદેશ અપાયો હતો.
પાટનગરમાં પાણીનો વપરાશ ગરમીના દિવસો ચાલુ થવાના પગલે ૫૦થી ૫૫ એમએલડી પર પહોંચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ ૨૪૦ લીટર માથાદિઠ પાણી મેળવતા પરંતુ નગરની બગલમાં જ આવેલા અને મહાપાલિકામાં સમાવાયા હોવા છતાં ગામડાઓ બોર આધારિત પાણી વ્યવસ્થા પર નિર્ભર રહ્યાં હોવાથી અહીં વસાહતીઓ પાણીની અછત ભોગવે છે.
જિલ્લાના ગામોમાં બોર માટે લોકફાળાની ૧૦ ટકા રકમની જોગવાઇ રદ કરવા અથવા તેમાં ધારાસભ્ય કે સાંસદની ગ્રાન્ટ વાપરવાની છુટ આપવા ઉપરાંત આગામી સમયમાં ભૂગર્ભ જળ સમૃદ્ધ બને તેના માટે સાદરાથી મહુડી વચ્ચે ચેકડેમ બાંધવા માણસાના ધારસભ્ય સુરેશભાઇ પટેલે પાણીની સમિક્ષા બેઠકમાં મંત્રીને સુચન કર્યુ હતું.
રાજ્યના પાણી પૂરવઠા મંત્રીએ બોલાવેલી પાણીની સમિક્ષા બેઠકમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડાએ જણાવ્યુ હતું કે સરકાર કોઇપણ દાવો કરે પરંતુ પાણીની તંગી ઉભી થઇ છે. ઉનાળા માટે યોગ્ય વિતરણ વ્યવસ્થા નહીં જાળવીને આ સ્થિતિનું સર્જન થયું છે.
સે.૩/સીના વસાહતીઓની આંદોલનની ચીમકી
સેક્ટર ૩સીમાં રહેતા વસાહતિઓએ પાણીના ઓછા ફોર્સ સામે નારાજગી બતાવતા આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. સેક્ટરના એન એમ પરમારે કહ્યુ કે સેક્ટરની સમસ્યાઓને લઇને શહેરના તમામ મોભીઓને રજૂઆત કરી છે. પરંતુ આજદીન સુધી કોઇ સારુ પરિણામ મળ્યુ નથી. ના છુટકે અમારે આંદોલનનુ શસ્ત્ર ઉગામવુ પડી રહ્યુ છે. પાણી પુરવઠા મંત્રી ભલે કહેતા હોય કે પાણીની સમસ્યા નથી, પરંતુ આ સમસ્યા જે વિસ્તારમાં થાય ત્યાં ખબર પડે છે.રાજ્યમાં સૂર્યનો પ્રકોપ શરૂ થઇ ગયો છે ત્યારે પાણી વિના દુષ્કાળના ડાકલા સંભળાઇ રહ્યા છે.