(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧
કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકો માટે કોરોના વેક્સિનનો માત્ર એક જ ડોઝ પૂરતો છે. સંક્રમણના કારણે આ લોકોમાં એન્ટીબોડી વિકસિત થાય છે જેને કોવિશીલ્ડ વેક્સિનનો એક ડોઝ આપ્યા બાદ વધારી શકાય છે. આવા લોકોને વેક્સિનના ૨ ડોઝ આપવાની જરૂર નથી. વૈજ્ઞાનિકોએ આસામ અને જમ્મુ કાશ્મીરની તબીબી સંસ્થાઓ ખાતે થયેલા અભ્યાસના આધાર પર આ સલાહ આપી છે. કોવિશીલ્ડ વેક્સિનને લઈ અત્યાર સુધીમાં આવો કોઈ અભ્યાસ પહેલા સામે નહોતો આવ્યો. આઈસીએમઆરના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સંક્રમણમાંથી સાજા થનારા લોકો માટે કોવિશીલ્ડ વેક્સિનનો એક જ ડોઝ પૂરતો છે. તેમના કહેવા પ્રમાણે જો સરકાર આ સલાહ પર ધ્યાન આપે તો વેક્સિનની તંગી વચ્ચે વેક્સિનેશનને ઝડપી બનાવી શકાય તેમ છે કારણ કે, બીજી લહેર દરમિયાન દેશની વસ્તીનો મોટો ભાગ સંક્રમણની લપેટમાં આવેલો છે. અભ્યાસ દરમિયાન પહેલા સંક્રમિત થઈ ચુકેલા લોકોને જ્યારે કોવિશીલ્ડનો પહેલો ડોઝ આપવામાં આવ્યો તો થોડા દિવસો બાદ તેમના શરીરમાં પૂરતા એન્ટીબોડી નોંધાયા હતા. પરંતુ એક નિશ્ચિત અંતરાલ બાદ જ્યારે તેમને બીજો ડોઝ આપવામાં આવ્યો અને તેનો ફોલોઅપ લેવામાં આવ્યો ત્યારે બીજા ડોઝના કારણે કોઈ ફેરફાર નહોતો નોંધાયો. જે લોકો વેક્સિન લીધા પહેલા કદી સંક્રમિત નહોતા થયા તેવા ૭૫ લોકોની તુલનાએ પહેલા સંક્રમિત થનારા ૪૬ લોકોમાં પહેલા ડોઝ બાદ પૂરતા એન્ટીબોડી નોંધાયા હતા.