(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૨
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે એક એવુ નિવેદન આપ્યુ છે જેનો જવાબ આપવા માટે મોદી સરકારના સંખ્યાબંધ મંત્રીઓએ બાંયો ચઢાવી છે.
મોદી સરકારના કોરોના મેનેજમેન્ટની સતત ટીકા કરી રહેલા રાહુલ ગાંધીએ આજે કહ્યુ હતુ કે, જુલાઈ આવી ગયો પણ હજી વેક્સીન નથી આવી. સરકારે મોટી સંખ્યામાં લોકોને કોરોનાની રસી મુકવાની જરૂર છે. જોકે આ નિવેદન બાદ મોદી સરકારના મંત્રીઓએ તેનો વળતો જવાબ આપ્યો હતો.સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને અને એ પછી રેલવે મંત્રી પિયુષ ગોયેલે રાહુલ ગાંધીને હલકી કક્ષાની રાજનીતિ નહીં કરવાની સલાહ આપી છે. પિયુષ ગોયલે કહ્યુ હતુ કે, વેક્સીનના ૧૨ કરોડ ડોઝ જુલાઈ મહિનામાં ઉપલબ્ધ કરાશે,પ્રાઈવેટ હોસ્પિટલોની ડિમાન્ડ થઈ આ ડોઝ અલગ છે. રાજ્યોને પંદર દિવસ પહેલા જ સપ્લાય અંગે જાણકારી આપી દેવાઈ છે. રાહુલ ગાંધીએ સમજવાની જરૂર છે કે, કોરોનાની લડાઈમાં ગંભીરતા દાખવવાની હોય છે, હલકી કક્ષાની રાજનીતિ કરવાની જરૂર નથી.ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, જુલાઈ મહિનાના રસીકરણ અંગેની જાણકારી ગઈકાલે જ મુકી છે.આ આંકડા રાહુલ ગાંધીએ વાંચતા નથી લાગતા. અંહકાર અને અજ્ઞાનતાની કોઈ વેક્સીન નથી. રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીને સંભાળવાની વધારે જરૂર છે.તાજેતરમાં સરકારે કહ્યુ હતુ કે, દેશના મોટાભાગના હિસ્સામાં ડિસેમ્બર સુધીમાં રસીકરણ પૂરૂ થશે પણ અત્યાર સુધી દેશની ૩૩ ટકા વસતીને જ રસી મુકાઈ છે. હાલમાં ૩૫ કરોડ લોકોને રસી મુકવામાં આવી છે અને જુલાઈ મહિનામાં રાજ્યોને બાર કરોડ ડોઝ પૂરા પાડવામાં આવનાર છે.