સર ટી.માં ૩૦૦ બેડની ૧૧ માળની નવી હોસ્પિટલ બનાવાશે

346

ભાવનગરમાં દવાઓના સ્ટોકના સંગ્રહ માટે લેપ્રેસી હોસ્પિટલ ખાતે દવાઓ માટેનું ગોડાઉન બનશે- લેપ્રસી હોસ્પિટલ ખાતે ૫૦ બેડની મેન્ટલ હોસ્પિટલ બનશે : લોકોની આરોગ્ય સુખાકારી માટે રાજ્યમાં તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે :ભાવનગરને જોડતા માર્ગોને ચાર માર્ગીય બનાવવા માટે ફેઝ-૨ ના કામની શરૂઆત થશે
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આજે ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધાર્યા છે. તેઓ સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત અને નિર્માણાધીન બિલ્ડીંગોની સ્થળ મુલાકાત અને નિરીક્ષણ બાદ રૂવાપરી ખાતે આવેલ લેપ્રસી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.નાયબ મુખ્ય મંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાથે રહ્યાં હતાં.મીડિયા સાથેના વાર્તાલાપમાં તેમણે જણાવ્યું કે, ભાવનગર ખાતે કેન્દ્ર સરકારની સહાયથી મહિલાઓ અને બાળકો માટેની અલાયદી ૩૦૦ પથારીની ૧૧ માળની હોસ્પિટલ બનાવવામાં આવશે. સર ટી. હોસ્પિટલ ખાતે આ હોસ્પિટલના નિર્માણની પ્રક્રિયા માટે ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યા છે અને ઝડપથી આ હોસ્પિટલના નિર્માણનું કાર્ય ચાલુ થઇ જશે. નીતિનભાઈએ અન્ય એક જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા લોકોને સસ્તા ભાવે દવા મળી રહે તે માટે જથ્થાબંધ દવાની ખરીદી કરે છે અને આ માટે રાજ્યમાં વાઇઝ ડેપો નક્કી કરી ત્યાંથી દવાઓનું વિતરણ કરવામાં આવે છે.
ભાવનગર જિલ્લામાં અમરેલી ડેપોમાંથી આ દવાઓ મળે છે. પરંતુ હવે રૂવાપરી રોડ પર આવેલ લેપ્રસી હોસ્પિટલ ખાતેના કેમ્પસ ખાતે જ આ દવા માટેના ડેપોનું નિર્માણ કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.જેથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટશે અને ઝડપથી ભાવનગર શહેર અને જિલ્લાને દવાઓ મળી રહેશે.તેમણે કહ્યું કે, લેપ્રેસી હોસ્પિટલ ખાતેનું મેદાન વિશાળ છે અને અહીંયાં ૫૦ બેડની મેન્ટલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. નથી ભાવનગરના લોકોને અન્ય જગ્યાએ તેની સારવાર લેવા માટે જવું ન પડે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભાવનગર જિલ્લાને જોડતા માર્ગોને ચાર માર્ગીય બનાવવાના ફેઝ-૨ નુ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ફેઝ-૧ ના કામમાં લાઈટના થાંભલા ખસેડવાનું કામ, જમીન સંપાદન કરવાનું કામ, નાના-મોટા બનાવવાનું કામ, વૃક્ષો હટાવવાનું કામ પૂરું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ને જોડતા મહત્વપૂર્ણ વટામણ-તારાપુર રોડનું કામજે છેલ્લાં ચાર વર્ષથી પ્રગતિમાં હતું તે પણ હવે ઝડપથી પૂરુ થઈ જશે.નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણ સાથે રાજ્યમાં કોરોનાની સારવાર માટેના બેડ પણ ક્રમશઃ વધારવામાં આવી રહ્યાં છે. તે જ રીતે કોરોનાની મહામારી બાદ પણ લોકોને સુરક્ષિત કરવા માટે રાજ્યમાં દરરોજ ૩ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૨.૬૫ કરોડ લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે.આ ઉપરાંત જો કોરોનાનું ત્રીજું સંક્રમણ આવે તો તેને ધ્યાનમાં રાખીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓક્સિજન બેડ, આઈ.સી.યુ. વગેરેની સગવડ તબક્કાવાર વધારવામાં આવી રહી છે.રાજ્ય સરકારની ત્વરીત નિર્ણાયકતાને પગલે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટને કારણે કોરોનાના સંક્રમણને મહદઅંશે નિયંત્રિત કરી શકાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.કોરોનાની મહામારીમાં પણ લોકોની મુશ્કેલી સમજી ઉદ્યોગ-ધંધાને છૂટછાટ સાથે ચાલુ રાખી લોકોને રોજગારી સાથે રાજ્ય સરકારની આવક પણ જાળવી રાખી છે એમ જણાવી તેમણે કહ્યું કે, કોરોનાની મહામારીમા રાજ્ય સરકાર દ્વારા જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં, રાજ્ય સરકારની કુનેહને કારણે નાણાભીડ ન પડે તેની પણ કાળજી રાખી છે. નાયબ મુખ્યમંત્રીએ કોરોના કાળમાં અગ્રીમ હરોળના સૈનિકો એવાં તબીબી અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા દરિદ્રનારાયણની અને દર્દીઓની કરવામાં આવેલી સેવાઓ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓને બિરદાવી અભિનંદન આપ્યાં હતાં.કોરોના સમયગાળામાં અલંગને જરૂરી મદદ કરવામાં આવી હતી.આ સિવાય ઘોઘા તાલુકામાં એક સામુહિક આરોગ્ય કેન્દ્ર તૈયાર થઈ ગયું છે તે નજીકના ભવિષ્યમાં લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત દિવાળી સુધી ૮૦ કરોડ ભારતીય નાગરિકોને અનાજ સુરક્ષા હેઠળ અનાજ આપવામાં આવશે વગેરેની વિગતો તેમણે આપી હતી.આ મુલાકાત વેળાએ તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી, કલેકટર યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા તથા લેપ્રસી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Previous articleરાણપુર ખાતે જીલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો
Next articleજિલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા નાયબ મુખ્યમંત્રી પટેલ