નાગરિકો લાભાન્વિત થાય તે રીતે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય એ માટે અનુરોધ કરતાં નાયબ મુખ્યમંત્રી
નીતિનભાઇ પટેલે આજે સર ટી. હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલની મુલાકાત લીધાં બાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા યોજી હતી.આ બેઠકમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ક્રિયાન્વિત અનેકવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા જિલ્લાના નાગરિકોને મહત્તમ લાભ મળે તે જરૂરી છે.કોરોનાના મુશ્કેલીના સમયમાં લોકોને રાજ્ય સરકાર તરફથી જે અપેક્ષાઓ હોય છે તે પરિપૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ જિલ્લાના સ્થાનિક પ્રશ્નો અને તેના નિરાકરણ માટેના ઉપાયોની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી.તેમણે જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા લોકોની ઉત્તમ સારવાર થાય તથા સારામાં સારી સારવાર આપી શકાય તે માટે કોરોના કાળમાં તથા ત્યારબાદ પણ અનેક માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.ભાવનગરમાં દવાનો ડેપો, મેન્ટલ હોસ્પિટલ તથા બાળકોની હોસ્પિટલ સહિતની સુવિધાઓ ઉભી થવાની છે તેનો મહત્તમ લાભ ભાવનગર શહેર તથા જીલ્લાના નાગરીકો મેળવે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પદાધિકારીઓ અને અધિકારીઓને અનુરોધ કર્યો હતો.રાજ્ય સરકાર દ્વારા કોરોનાના ત્રીજા વેવ પહેલાં જ જિલ્લા તથા તાલુકા સ્તર સુધી ઓક્સિજનની વ્યવસ્થા, કોરોના માટેના વધુને વધુ બેડ ઉપલબ્ધ બને તે માટેની વ્યવસ્થા, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માળખાકીય સુવિધાઓ વધારવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એની વિગતો તેમણે આપી હતી.આ ઉપરાંત જિલ્લાના નાગરિકો કોરોનાની રસીથી સંરક્ષિત થાય તે માટેની યોગ્ય વ્યવસ્થાઓ માટે પણ તેમણે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ભાવનગર મહાપાલિકાના મેયર કિર્તીબેન દાણીધરીયા, જિ. પં.ના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મહુવાના ધારાસભ્ય આર.સી મકવાણા, પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મુકેશ લંગાળીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેકટર યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા તથા પદાધિકારીઓ -અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.