ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ તથા બુધેલ સ્થિત ટી.પી. સ્કીમ નં-૨૨ ની જમીનના ખેડૂત ખાતેદારો વચ્ચે જમીન સંપાદન મુદ્દે યોજાયેલી મંત્રણા પડી ભાંગી છે ખેડૂતો એ પોતાની કિંમતી જમીન આપવાનો ઈન્કાર કર્યો છે અને આવો વિકાસ નહીં જોઈતો હોવાની વાત ઉચ્ચારી છે.ભાવનગર શહેર નું વિસ્તૃતિ કરણ કરવા માટે રાજ્ય સરકાર નું શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ તંત્ર કાર્યરત છે આ તંત્ર દ્વારા આગામી વર્ષોમાં શહેરના વિવિધ તબ્બકે વિકાસ કરવા માટે જેમાં રોડ-રસ્તા સહિતની પાયાકીય સવલતો વધારવા માટે ખેડૂતો- ઉદ્યોગકારોની માલિકીની જમીન સરકારી ધારા-ધોરણ મુજબ સંપાદન કરી વિકાસ કાર્યો આગળ ધપાવવામાં આવે છે આ વિકાસ કામોના થોડા વર્ષો પૂર્વે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કરી જમીનો હસ્તગત કરી આરક્ષિત કરવામાં આવે છે.
હવે આગામી સમયમાં ભાવનગર શહેરનો વિકાસ-વિસ્તાર વધવાનો હોય જે અંતર્ગત ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હેઠળની ટી.પી સ્કીમ નં-૨૨ બુધેલ ગામે આવેલી જમીન આ સત્તા મંડળ સંપાદન કરવા માંગે છે અને એ માટે બુધેલ ગામનાં ખેડૂતો સાથે ની મિટિંગ નું આયોજન શહેરના મોતીબાગ સ્થિત અટલબિહારી બાજપાઈ ઓપન એર થિયેટરમાં યોજવામાં આવી હતી જેમાં મિટિંગ ના પ્રારંભથી જ ધરતીપુત્રો એ જમીન સંપાદન માટે વિરોધનો સૂર પુરાવ્યો હતો ખેડૂતો એ અધિકારીઓ ને જણાવ્યું હતું કે સરકાર વિકાસ ના નામે જમીન સંપાદન કરે છે. પાણી ના ભાવે જમીનો પડાવી લે છે અને થોડા વર્ષો બાદ આજ જમીન ઉદ્યોગકારોને કરોડો રૂપિયા ના નફા સાથે વેચી કમાણી કરે છે આવા ભૂતકાળમાં અનેક દાખલાઓ બનેલા છે અને સરકાર-તંત્ર નો ડોળો હંમેશાં ખેડૂતો ની સોનાની લગડી જેવી જમીન પર જ હોય છે એટલે શું આવી કિંમતી જમીન પર જ વિકાસ શક્ય છે…?! થોડા વર્ષો પૂર્વે ભાવનગર-ગિરસોમનાથ નેશનલ હાઈવે-૮/ઈ ના નવ નિર્માણ માટે સરકારે જે જમીનો ખેડૂતો પાસેથી સંપાદન કરી હતી એ પાણી ના ભાવે મેળવી હતી અને યોગ્ય આકરણી પણ કરવામાં આવી ન હતી હાલ ની નવી જંત્રી મુજબ એ જમીનોની કિંમત કરોડો રૂપિયા આકવામા આવે છે આથી આવો વિકાસ ખેડૂતો ને બિલકુલ મંજૂર નથી ખેડૂતો જીવ આપશે પણ જીવાઈ એટલે કે જમીન નહીં આ મુદ્દે અધિકારી એ જણાવ્યું હતું કે ખેડૂતો ના અભિપ્રાય નોંધ કર્યા છે અને સરકાર તથા બોર્ડની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.