ડેલ્ટા વેરિઅન્ટ સામે ૬૫.૨% અસરકારક : ગંભીર સંક્રમણનો ભોગ બનેલા માટે કોવેક્સીન ૯૩.૪% પ્રભાવી જણાઈ છે
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૩
ભારતની સ્વદેશી કોરોના રસી વિશે મોટા સમાચાર આવ્યા છે. ભારત બાયોટેકે પોતાની કોવિડ રસી કોવેક્સીનના ત્રીજા ફેઝના ટ્રાયલના પરિણામ જાહેર કર્યા છે. જે મુજબ કોવેક્સીન કોરોના વિરુદ્ધ ૭૭.૮% અસરકારક છે. જ્યારે ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ સામે તે ૬૫.૨% અસરકારક છે. ત્રીજા તબક્કાની ટ્રાયલમાં કુલ ૨૪,૪૧૯ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨,૨૨૧ લોકોને અસલી વેક્સીનના બંને ડોઝ અપાયા હતા. જ્યારે ૧૨,૧૯૮ લોકોને પ્લેસિબો અપાઈ હતી. કોરોના વાયરસના ગંભીર સંક્રમણનો ભોગ બનેલા લોકોની વાત કરીએ તો કોવેક્સીન તેના વિરુદ્ધ ૯૩.૪% પ્રભાવી જણાઈ છે. કંપનીએ અધિકૃત રીતે પરિણામો બહાર પાડતા જણાવ્યું કે ત્રીજા ફેઝની ટ્રાયલમાં ભાગ લેનારા ૧૬,૯૭૩ લોકોને બંને ડોઝ (અસલ વેક્સીન કે પ્લેસિબો) આપ્યાના ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી. તેના ફોલોઅપમાં જાણવા મળ્યું કે ૧૩૦ વોલેન્ટિયર્સને કોરોના સંક્રમણ થયું, તેમાંથી ૨૪ લોકો એવા હતા જેમને અસલ રસીના બંને ડોઝ અપાયા બાદ કોવિડ થયો જ્યારે ૧૨૪ વોલેન્ટિયર્સ એવા હતા જેમને પ્લેસિબો આપ્યા બાદ કોવિડ થયો હતો. એ જ રીતે કોવિડનું ગંભીર સંક્રણ જે ૧૬ વોલેન્ટિયર્સમાં જોવા મળ્યું તેમાંથી ફક્ત એકને જ અસલી રસી આપવામાં આવી હતી જ્યારે બાકીના ૧૫ને પ્લેસિબો આપવામાં આવી હતી. આ ટ્રાયલમાં જાણવા મળ્યું કે ૬૦ વર્ષથી ઉપરના લોકોમાં કોવેક્સીન ૬૭.૮% પ્રભાવી છે. અને ૬૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો પર ૭૯.૪% પ્રભાવી છે. ત્રીજા ફેઝની ટ્રાયલ દરમિયાન કુલ ૯૯ વોલેન્ટિયર્સમાં ગંભીર સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળી. જેમાંથી ૩૯ વોલેન્ટિયર્સ અસલ રસીવાળા અને ૬૦ પ્લેસિબોવાળા હતા. ત્રીજા ફેઝની ટ્રાયલમાં ભાગ લેનારા ૧૫ વોલેન્ટિયર્સના મોત પણ થયા છે. જેને લઈને કંપનીએ ભાર દઈને કહ્યું છે કે તેમાંથી કોઈ પણ વોલેન્ટિયરના મોતનું કારણ રસી કે પ્લેસિબોની આડઅસર નહતી. તેમાંથી ૫ વોલેન્ટિયર્સને અસલ રસી અને ૧૦ ને પ્લેસિબો અપાઈ હતી. આ સાથે જ મૃત્યુ પામનારામાંથી ૧૫ વોલેન્ટિયર્સમાંથી ૬ના મોત જ કોરોના સંક્રમણના કારણે થયા હતા. જેમાંથી એકને અસલ રસી અને ૫ને પ્લેસિબો અપાઈ હતી.