મારો ફેવરિટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઃ કે.એલ.રાહુલ

210

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૪
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાર્યા પછી વિરાટ કોહલીની કેપ્ટનશિપ સામે સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કે.એલ.રાહુલે ટીમના કેપ્ટન મુદ્દે મહત્ત્વપૂર્ણ વાત કહી હતી. એણે કહ્યું, મારો ફેવરિટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. ધોની પાસેથી કૂલ માઇન્ડ સેટ સાથે ગેમ રમવાની કળા શીખવી જોઇએ. કે.એલ.રાહુલની આવી પ્રતિક્રીયાથી વિરાટ કોહલી પર શું અસર પડશે? તે પણ ચર્ચાનો મુદ્દો બની શકે છે.કે એલ રાહુલે કહ્યું, ધોની એક એવા કેપ્ટન હતા કે એમના માટે ટીમનો કોઇપણ ખેલાડી હસતા-હસતા બંદૂકની ગોળી પણ ખાઈ શકે છે. ધોનીથી મેં ઉતાર-ચઢાવના સમયગાળામાં કેવી રીતે વિનમ્ર રહેવું તે શીખ્યું છે. તે જેવી રીતે બધુ પોતાના કંટ્રોલમાં રાખતા હતા એ પ્રશંસનીય હતું.રાહુલે કહ્યું, જો કોઇ કેપ્ટનની વાત કરવામાં આવે તો આ પેઢી કે આવનારી પેઢીના મનમાં એક જ નામ આવશે, તે મહેન્દ્ર સિંહ ધોની હશે. અમે બધાએ એમની કેપ્ટનશિપમાં મેચ રમી છે અને ઘણી ટ્રોફી પણ જીતી છે. ટીમના પ્રત્યેક ખેલાડી ધોનીને આદર સન્માન આપે છે.વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર કે.એલ.રાહુલે કહ્યું, તે એક અલગ ટાઇપના કેપ્ટન છે. કોહલી એક ખેલાડી રૂપે ઘણા ઉત્સાહી છે. તે ૨૦૦ની સ્પીડે શરૂ કરે છે ત્યારે સામાન્ય ખેલાડી માટે ૧૦૦ની સ્પીડ પકડવી જ સંભવ હોય છે. એમની પાસે ૧૦ ખેલાડીઓને સાથે લઇને ચાલવાની સ્કીલ છે. વિરાટ પણ અન્ય ખેલાડીઓને ૧૦૦થી ૨૦૦ની સ્પિડે પહોંચાડવા માગે છે.

Previous articleએક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પોતાને આપી મોંઘી ગિફ્ટ
Next articleપાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે પૂ.લક્ષ્મણબાપુના નૂતન મંદીરનું ખાતમુર્હત કરાયુ