ભારતને હંફાવ્યું તે જોતા ત્રીજી લહેરની સંભાવનાઓ અને તેના પર અભ્યાસ શરુ કરી દેવામાં આવ્યો હતો
(સં. સ. સે.) નવી દિલ્હી,તા.૪
ભારતમાં કોરોનાની બીજી લહેરે જે રીતે ભારતને હંફાવ્યું તે જોતા ત્રીજી લહેરની સંભાવનાઓ અને તેના પર અભ્યાસ શરુ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસર થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી હતી જોકે, હવે સામે આવ્યું છે કે તે અંગે ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી. જોકે, હવે એક રિપોર્ટ સામે આવ્યો છે જે રાહત આપનારો સાબિત થઈ રહ્યો છે. જેમાં કોરોનાની ત્રીજી લહેર નબળી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ બીજી લહેરમાં ઉભી થયેલી તકલીફને જોતા ત્રીજી લહેરથી બચવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા ભરવાની સાથે રસીકરણ અભિયાનને પણ ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના અંગે વિવિધ ચર્ચાઓ અને એક્સપર્ટની સલાહ વચ્ચે આઈઆઈટી કાનપુરના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોરોના વાયરસને ઝડપથી ફેલાતો મ્યુટેન્ટ ના બન્યો તો ત્રીજી લહેર બીજી લહેરની સરખામણીમાં નબળી હશે.
તેનું પૂર્વાનુમાન સૂત્ર મૉડલના આધારે લગાવવામાં આવ્યું છે. સૂત્ર મૉડલ વિશ્લેષણ મુજબ જો મ્યુટેન્ટ ગાયબ રહે છે તો ત્રીજી લહેર પહેલા જેવી નહીં હોય. સૂત્ર મૉડલ પર એનાલિસિસી કરનારી આઈઆઈટી કાનપૂરની વૈજ્ઞાનિકોની ટીમના પ્રોફેસર મનિંનદર અગ્રવાલનું કહેવું છે કે, તેમણે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ત્રણ સંભવિત સ્થિતિની ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, ત્રીજી લહેર નાની હોઈ શકે છે, જે નબળી હોઈ શકે છે. પ્રો. મનિંદર અગ્રવાલે જણાવ્યું કે, જો ઝડપથી ફેલાતો મ્યુટેન્ટ ના રહ્યો તો આ એક નબળી લહેર સાબિત થશે. પરંતુ જો વાયરસને ઝડપથી ફેલાવતો મ્યુટેન્ટ સામે આવશે તો ત્રીજી લહેર અગાઉની લહેર જેવી જ હશે. વધુમાં પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, જે સૌથી આશાવાદી અનુમાન છે, તે પ્રમાણે ઓગસ્ટ સુધીમાં જીવન સામાન્ય બની જશે, બસ શરત એટલી જ કે કોઈ નવો મ્યુટેન્ટના આવે. બીજુ અનુમાન એ છે કે, રસીકરણ ૨૦% ઓછું પ્રભાવશાળી રહેશે. ત્રીજી સ્થિતિ, થોડી નિરાશાજનક છે, જે મુજબ ઓગસ્ટમાં એક નવો મ્યુટેન્ટ સામે આવી શકે છે.