વરસાદી માહોલ દૂર થતાં તાપમાનનો પારો પુનઃ ઉચકાયો
ભાવનગર શહેર જિલ્લામાં ઉનાળાના સમાપન સામયે આવેલા તાઉતે વાવાઝોડા સાથે જાણે વિધિવત ચોમાસાનું મંડાણ થયું હોય એવો મેઘાવી માહોલ સર્જાયો હતો. આ મેઘડામ્બર લગાતાર ત્રણ સપ્તાહ સુધી યથાવત રહ્યો એ દરમ્યાન હવામાન વિભાગે સત્તાવાર ચોમાસું બેસી ગયાની સત્તાવાર જાહેરાત પણ કરી દિધી હતી, પરંતુ છેલ્લા પાંચ-છ દિવસથી વરસાદી વાતાવરણ દૂર થઈ જતાં પુનઃ અકળાવનારો ઉનાળો શરૂ થયો હોય એવી સ્થિતિનું સર્જન થયું છે. જેને પગલે ખેડૂતો સહિત આમ પ્રજાપર ચિંતાના વાદળો ઘેરાયા છે.દેશની સર્વોચ્ચ વેધશાળા મહારાષ્ટ્ર રાજ્યના પુના શહેરમાં કાર્યરત છે. આ વેધશાળાના અધિકારીઓ એ આજે એક ચિંતા ઉપજે એવાં વાવડ પ્રસારિત કર્યા છે. વેધશાળાના હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે દેશ ભરમાં ચોમાસું સ્થગિત થયું છે અને જુલાઈ માસનાં બીજા વીક સુધી આ ચોમાસું સક્રિય થવાનાં કોઈ જ ચાન્સીસ જણાઈ નથી રહ્યાં દેશમાં નૈઋત્યના ચોમાસાને આગળ ધપાવવા માટે પશ્ચિમી દિશામાંથી ફૂંકાતા ખૂબ જ અગત્યનો અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હાલ આ પવનોનુ શિડ્યુલ ખોરવાયુ છે, પરિણામે દેશમાં આગળ વધતાં ચોમાસા પર એકાએક બ્રેક લાગી છે. બંગાળની ખાડીમાં અને હિંદ મહાસાગર, અરબી સમુદ્રમાં ચોમાસું એક્ટિવ થાય એવી કોઈ જ સિસ્ટમ સક્રિય નથી ત્યારે સ્વાભાવિક રીતે ભારત જેવાં ખેતી પ્રધાન દેશમાં ચોમેર ચિંતા પ્રસરે એ સહજ બાબત છે.ભાવનગર શહેર-જિલ્લામાં નિર્ધારિત સમય પૂર્વે ચોમાસાનું આગમન થયું હતું. જૂન માસના બે સપ્તાહ દરમ્યાન જોરદાર વરસાદ પડ્યો હતો મોટા ભાગના ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કર્યું છે, ત્યારે વરસાદી માહોલ વિખરાઈ જતાં કિસાનોના જીવ પડીકે બંધાયા છે. છેલ્લા ત્રણ દિવસ થી ઉનાળાનો પુનઃ પ્રારંભ થયો હોય તેમ તાપમાનનો પારો પણ ઉચકાયો છે. સવારથી જ પ્રખર તાપ અને અસહ્ય બફારો લોકો અનુભવી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતો પણ બિયારણ બચાવવા માટે હયાત પિયત વ્યવસ્થાનો સહારો લઈ રહ્યાં છે અને મનોમન દિનાનાથ ને પ્રાર્થનાઓ કરી રહ્યાં છે કે પુનઃ વરસાદ શરૂ થાય વરસાદ ખેંચાતા વિજળી અને પાણીની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. લોકો પણ કુદરતને રીઝવવા શક્ય તેટલાં પ્રયત્નો કરી રહ્યાં છે અને સારા વરસાદ ની કામનાઓ કરી રહ્યાં છે.