કોવિન ગ્લોબલ કોન્કલેવમાં વડાપ્રધાનનું સંબોધન : વડાપ્રધાને કોવિન પ્લેટફોર્મને વૈશ્વિક સ્તર પર ઉપલબ્ધ કરાવા કહ્યું, પોર્ટલની સુવિધા અન્ય દેશો માટે ઉપલબ્ધ કરાવવાની મંજૂરી પ્રધાનમંત્રીએ આપી
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૫
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિન ગ્લોબલ કોન્કલેવમાં સંબોધન કર્યુ અને મહામારી કોવિડ-૧૯ સામે લડવામાં ડિજિટલ પ્લેટફોર્મ કોવિનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો. સાથે આ પ્લેટફોર્મને વૈશ્વિક સ્તર પર ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. આ કોન્ક્લેવમાં વર્ચ્યુઅલી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કોવિડ પોર્ટલના સીઈઓ આરએસ શર્મા પણ સામેલ થયા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- ભારતીય સભ્યતા દુનિયાને એક પરિવાર તરીકે જુએ છે.આ મહામારી દરમિયાન લોકોએ તેનો અનુભવ પણ કર્યો હશે. તેથી કોવિડ વેક્સિનેશન માટે અમારા ટેક્નીકલ પ્લેટફોર્મ કો-વિનને ઓપન સોર્સ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યુ, મહામારીથી છૂટકો મેળવવા માટે વેક્સિનેશન મોટી આશા છે અને શરૂઆતથી ભારતમાં અમે વેક્સિનેશન માટે ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. મહામારી કોવિડ-૧૯ સામે સંઘર્ષમાં તકનીકની મહત્વની ભૂમિકા પર ભાર આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, અમે જલદી અમારા કોવિડ ટ્રેસિંગ તથા ટ્રેકિંગ એપના ઓપન સોર્સ ઉપલબ્ધ કરાવીશું. હાલમાં આ પોર્ટલની સુવિધા અન્ય દેશો માટે ઉપલબ્ધ કરાવવાની મંજૂરી પ્રધાનમંત્રીએ આપી છે. દુનિયાના સૌથી મોટા વેક્સિનેશન પ્લેટફોર્મ કો-વિનની વૈશ્વિક સ્તર પર પ્રશંસા કરવામાં આવી રહી છે. દેશમાં આ પ્લેટફોર્મ દ્વારા રસીકરણનું કામ ઝડપથી થઈ રહ્યું છે અને હવે તેને દુનિયાના દેશો સાથે શેર કરવામાં આવશે.
કોન્ક્લેવમાં ભારત તરફથી મહામારી કોવિડ-૧૯ના બચાવ માટે ઉપયોગ કરવામાં આવી રહેલા ડિજિટલ પ્લેટફોર્મ કોવિનને બીજા દેશો માટે સત્તાવાર આપવાની રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અન્ય દેશોએ ભારતના કોવિડ પોર્ટલ માટે રૂચિ વ્યક્ત કરી છે. નેશનલ હેલ્થ ઓથોરિટી અને કો-વિન પ્લેટફોર્મના સીઈઓ આર એસ શર્માએ હાલમાં કહ્યુ હતુ કે કેનેડા, મેક્સિકો, નાઇજીરિયા, પનામા અને યુગાન્ડા સહિત લગભગ ૫૦ દેશોએ પોતાનું રસીકરણ અભિયાન ચલાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મ કોવિડને અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
સાથે તેમણે તે પણ કહ્યું કે ભારત પોતાના સોર્સ સોફ્ટવેરને ફ્રીમાં શેર કરવા માટે તૈયાર છે.