કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૨ કરોડ ૯૭ લાખ ૪૩૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૨૩૫૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૫
ભારતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ધીમી પડી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ હજારથી ઓછા લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ, કોવિડના કારણે જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યામા પણ ઘટાડો જોવા મળ્યો છે. ૮૮ દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૯,૭૯૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૭૨૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૫,૮૫,૨૨૯ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૫,૨૮,૯૨,૦૪૬ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૨ કરોડ ૯૭ લાખ ૪૩૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૨,૩૫૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૦૨,૭૨૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૪ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૧,૯૭,૭૭,૪૫૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના ૨૪ કલાકમાં ૧૫,૨૨,૫૦૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાની વાત કરીએ તો ૨૪ કલાકમાં રાજ્યભરમાં માત્ર ૭૦ કેસ નોંધાયા છે ત્યારે રિકવરી રેટ ૯૮.૪૮ ટકા થયો હતો. આ સાથે જ રાજ્યમાં બે લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. ૧૨૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૯ કેસ, સુરત કોર્પોરેશનમાં ૧૦, રાજકોટ કોર્પોરેશન ૮ પોરબંદર ૩, વડોદરા ૩, વડોદરા કોર્પોરેશન ૩, ભરૂચ ૨,, જામનગર ૨, જૂનાગઢ ૨, મહેસાણા ૨, નવસારી ૨, વલસાડ ૨ કેસ નોંધાયા હતા. રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધી રાજ્યમાં કુલ ૨,૬૫,૬૪૭ લોકોનું રસી કરણ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૭૦ કેસ નોંધાયા છે ત્યારે ૨ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત ૧૨૮ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમા ૮,૧૧,૨૯૭ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં ૧૦ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૨૪૭૫ દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત ૮,૧૧,૨૯૭ દર્દીઓ અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થયા છે. અને કુલ ૧૦,૦૬૯ દર્દીઓ કોરોનામાં મોતને ભેટ્યા છે.