ગોમતી નદીના રિવરફ્રન્ટ કૌભાંડ સંદર્ભે CBI ના દરોડા

473

અખિલેશના કાર્યકાળમાં કથિત અનિયમિતતાની તપાસ :CBI યુપીમાં ૪૦, રાજસ્થાન-પ. બંગાળમાં ૧-૧ સહિત ૪૨ જગ્યાએ તલાશી લઈ રહી છે
(સં.સ.સે.) લખનૌ, તા.૫
ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે ગોમતી નદીના કિનારે બનેલા રિવર ફ્રન્ટ સાથે સંકળાયેલા કૌભાંડને લઈ સીબીઆઈએ અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા છે. એટલું જ નહીં, સીબીઆઈએ યુપી ઉપરાંત પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ દરોડા પાડ્યા છે. અખિલેશ યાદવના કાર્યકાળ દરમિયાન ગોમતી નદી પરિયોજનામાં કથિત અનિયમિતતાની તપાસ માટે સીબીઆઈ દ્વારા નવો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઈ યુપીમાં ૪૦, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં ૧-૧ સહિત ૪૨ જગ્યાએ તલાશી લઈ રહી છે. રિવર ફ્રન્ટ કૌભાંડ મામલે આ સીબીઆઈની બીજી એફઆઈઆર છે. આ કેસમાં કુલ ૧૮૯ આરોપી છે. યુપીમાં લખનૌ ઉપરાંત નોએડા, ગાઝિયાબાદ, બુલંદશહર, રાયબરેલી, સીતાપુર, ઈટાવા, આગરા ખાતે સીબીઆઈએ દરોડા પાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવની સરકારના કાર્યકાળમાં લખનૌમાં ગોમતી નદીના કિનારે બનેલા રિવર ફ્રન્ટને સમાજવાદી પાર્ટીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી તેમાં મોટા કૌભાંડના આરોપો લાગી રહ્યા હતા. યુપીમાં યોગી સરકાર આવી ત્યાર બાદ પ્રારંભિક તપાસ કરીને કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો. હવે સીબીઆઈ આ કૌભાંડના જવાબદાર લોકોને ભરડામાં લઈ રહી છે. હાલ સીબીઆઈ આશરે ૧,૫૦૦ કરોડ રૂપિયાના આ કૌભાંડની તપાસ કરી રહી છે. ઈડીએ પણ મની લોન્ડ્રિંગનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. સીબીઆઈ લખનૌની એન્ટી કરપ્શન ટીમ આ કેસની તપાસ કરી રહી હતી.

Previous articleપૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જીના પુત્ર ટીએમસીમાં જોડાઈ ગયા
Next articleઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર આવશે, સપ્ટે.માં પિક પર પહોંચશે