ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર આવશે, સપ્ટે.માં પિક પર પહોંચશે

208

એસબીઆઈ રિસર્ચ દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં ચેતવણી : આંકડા અનુસાર ભારતમાં જુલાઈના બીજા સપ્તાહની આસપાસ લગભગ ૧૦,૦૦૦ નવા કેસ સામે આવી શકે, ૨૧ ઓગસ્ટ બાદ ત્રીજી લહેર વધી શકે
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૫
એસબીઆઈ રિસર્ચ દ્વારા સોમવારે પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટમાં દેશમાં કોવિડની ત્રીજી લહેર આવવાની સંભાવના છે અને તે સપ્ટેમ્બરમાં પિક પર પહોંચશે. કોવિડ-૧૯- ધ રેસ ટૂ ફિનિશિંગ લાઇન નામથી પ્રકાશિત રિપોર્ટમાં આગળ ભારતમાં બીજી લહેર વિશે જણાવવામાં આવ્યું અને કહ્યું કે, તે ૭ મેએ પિક પર હતી. ભારતમાં બીજી લહેર એપ્રિલમાં આવી અને મેમાં પિક પર હતી, જેનાથી દિલ્હી, મહારાષ્ટ્ર, કેરલ અને અન્ય રાજ્યોમાં હજારો પરિવાર પ્રભાવિત થયા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વર્તમાન આંકડા અનુસાર ભારતમાં જુલાઈના બીજા સપ્તાહની આસપાસ લગભગ ૧૦,૦૦૦ નવા કેસ સામે આવી શકે છે. પરંતુ ઓગસ્ટના બીજા પખવાડિયા સુધી કેસ વધવાના શરૂ થઈ શકે છે. રિસર્ચ બાદ એસબીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, ૨૧ ઓગસ્ટ બાદ કોવિડની ત્રીજી લહેર વધવા લાહશે. લોકોને ચેતવતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઓગસ્ટમાં કોવિડની ત્રીજી લહેર આવશે અને સપ્ટેમ્બરમાં પિક પર આવશે. તેમાં કહેવામાં આવ્યું કે ઓગસ્ટના બીજા સપ્તાહથી કોરોનાના કેસ ઝડપથી વધવા લાગશે. ગ્લોબલ આંકડાથી જાણવા મળે છે કે એવરેજ ત્રીજી લહેરના પિક મામલા બીજી લહેરના સમયના પિક મામલાના લગભગ ૧.૭ ગણા હોય છે. પરંતુ પાછલા રેકોર્ડને જોવામાં આવે તો ઓછામાં ઓછા એક મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર ૨૧ ઓગસ્ટથી વધવા લાગશે. મહત્વનું છે કે દેશમાં કોરોનાના એક દિવસમાં ૩૯,૭૯૬ નવા કેસ સામે આવ્યા બાદ આ બીમારીની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા ૩,૦૫,૮૫,૨૨૯ થઈ ગઈ છે, જ્યારે વધુ ૭૨૩ લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને ૪,૦૨,૭૨૮ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા આંકડા પ્રમાણે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૪,૮૨,૦૭૧ થઈ ગઈ છે અને આ કુલ સંક્રમણના ૧.૫૮ ટકા છે, જ્યારે કોવિડથી સાજા થવાનો રાષ્ટ્રીય દર સુધરીને ૯૭.૧૧ ટકા થઈ ગયો છે. મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૩૨૭૯નો ઘટાડો થયો છે.

Previous articleગોમતી નદીના રિવરફ્રન્ટ કૌભાંડ સંદર્ભે CBI ના દરોડા
Next articleએલ્ગાર મામલામાં આરોપી ફાધર સ્ટેન સ્વામીનું નિધન