સમગ્ર સૌરાષ્ટ્રભરની સાથોસાથ આજે ભાવનગર શહેર અને જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જ્યારે વલ્લભીપુર પંથકમાં કમોસમી વરસાદ પડવા સાથે રોહિશાળા પંથકમાં વાવાઝોડું ફુંકાયું હતું.
અપર એર સરક્યુલેશનના પગલે સમગ્ર સૌરાષ્ટ્રભરમાં વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આજે બપોર બાદ ભાવનગર-બોટાદ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને કેટલાયે ગામોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે અનેક જગ્યાએ ભારે પવન સાથે વાવાઝોડુ ફુંકાયું હતું.
ભાવનગર શહેરમાં પણ સાંજના સમયે વાતાવરણ પલ્ટાયું હતું. જ્યારે વલ્લભીપુર શહેર તથા ઉમરાળા પંથકમાં જોરદાર કમોસમી વરસાદ પડ્યો હતો તેમજ રોહિશાળા તથા તેની આજુબાજુના ગામડાઓમાં ભારે પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું.
જેમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. બોર્ડ બેનરો ઉડ્યા હતા જેમાં પિતા-પુત્રને ઈજા થયાના સમાચારો પણ મળી રહ્યાં છે. ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદ અને વાવાઝોડાના પગલે અનેક વીજપોલ પણ ધરાશાયી થયા હતા અને જીવતા વિજ વાયરો રસ્તા વચ્ચે પડતા લોકોમાં પણ નાસભાગ સાથે દહેશત ફેલાઈ હતી. હજુ આગામી ૪૮ કલાક સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.