શહેરના કુંભારવાડા નારી રોડ ઉપર રહેતી યુવતી અને તેના પુત્રની ઘરના પાણીના ટાંકામાંથી શંકાસ્પદ હાલતે લાશ મળી આવી હતી. બનાવ અંગે મૃતક યુવતીના પિતાએ સાસરીયા વિરૂધ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપી મરવા મજબુર કર્યાની ફરિયાદ આપતા પોલીસે ગુનાના કામે પતિ-સસરા અને જેઠની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કુંભારવાડા નારી રોડ ગોકુળનગર વણકરવાસમાં રહેતા કંચનબેન અને તેનો ત્રણ વર્ષનો પુત્ર દેવની ઘરના પાણીના ટાંકામાથી લાશ મળી આવી હતી. બનાવ અંગે મૃતક યુવતીના પિતાએ બોરતળાવ પોલીસ મથકમાં તેના જમાઈ જીગ્નેશભાઈ જેસીંગભાઈ સુમરા, સસરા જેસીંગભાઈ અને જેઠ હિંમતભાઈ અવારનવાર કંચનબેનને નાની-મોટી વાતમાં મેણા-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી રૂપિયા અને ચીજવસ્તુઓની માંગણી કરતા હતા અને જમાઈ જીગ્નેશભાઈને કોઈ અન્ય યુવતી સાથે આડાસંબંધ હોય જેથી તેની પત્ની કંચનબેનને મારઝુડ કરી ત્રાસ આપતા હતા અને કંચનબેનને મરવા મજબુર કર્યાની ફરિયાદ આપી હતી.
બનાવ અંગે બોરતળાવ પોલીસે પતિ-સસરા અને જેઠ વિરૂધ્ધ વિવિધ કલમો મુજબ ગુનો નોંધી ત્રણેય સાસરીયાની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણેય આરોપીને જેલહવાલે કરવા હુકમ કર્યો છે.