(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૬
ઈંગ્લેન્ડની સામે ટેસ્ટ સીરિઝ પહેલાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. યુવા ઓપનર શુભમન ગિલ ઈજાને કારણે ટેસ્ટ સીરિઝ રમી શકશે કેમ તેના પર સવાલ છે. ટીમ મેનેજમેન્ટે ગત અઠવાડિયે ભારતીય ક્રિકેટ બોર્ડને પત્ર લખીને બે ખેલાડીઓને ઈંગ્લેન્ડ મોકલવા માગ કરી હતી. જો કે હજુ સુધી આ મામલે બોર્ડ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. બીસીસીઆઈને મોકલેલ ઈ મેઈલમાં કોઈ ખાસ ખેલાડીના નામનો ઉલ્લેખ નથી. પણ એવી અટકળો છે કે પૃથ્વી શો અને દેવદત્ત પડિક્કલ આ બે ખેલાડીઓ હોઈ શકે છે. બીસીસીઆઈની આ ચુપ્પીને કારણે શ્રીલંકા પ્રવાસ પર ગયેલ ટીમ ઈન્ડિયા પણ અસમંજસની સ્થિતિમાં છે. રિપોર્ટ મુજબ પૃથ્વી શો અને દેવદત્ત પડિક્કલ આ સમયે શ્રીલંકા પ્રવાસે છે. પણ ૨૬ જુલાઈએ સીરિઝ સમાપ્તિ બાદ બંને યુકે જવા રવાના થઈ શકે છે. પણ ઈંગ્લેન્ડમાં ટીમ મેનેજમેન્ટ ડરહમમાં બાયો બબલમાં જતાં પહેલાં બંને ખેલાડીઓ ત્યાં પહોંચી જાય તેમ ઈચ્છે છે. બીસીસીઆઈએ ફક્ત ૨૪ ખેલાડીઓને ઈંગ્લેન્ડ મોકલ્યા છે. જેમાંથી ચાર સ્ટેન્ડ બાય પર છે. અભિમન્યુ ઈશ્વરને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. પણ શું તેને જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રોડની સામે ઉતારવો ઠીક રહેશે. કેએલ રાહુલને ઓપનિંગ બેટ્સમેન નહીં, પણ મધ્યક્રમમાં ઉતારવામાં આવી શકે છે.ભારતની પાસે ઈંગ્લેન્ડમાં પહેલેથી જ મયંક અગ્રવાલ, કેએલ રાહુલ ઓપનર તરીકે ઉપસ્થિત છે. તો અભિમન્યુ ઈશ્વરન પણ સ્ટેન્ડબાય ઓપનર તરીકે ટીમ સાથે જોડાયેલો છે. તેવામાં બે નવા ખેલાડીઓની માગને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.પૃથ્વી શોએ પોતાની અંતિમ ટેસ્ટ ડિસેમ્બર ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયાની સામે એડિલેડમાં રમી હતી. જે બાદથી પૃથ્વી ટેસ્ટ ટીમથી બહાર છે. બીજી તરફ દેવદત્ત પડિક્કલે અત્યાર સુધી ભારત માટે એકપણ ટેસ્ટ રમી નથી. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શરૂઆત ૪ ઓગસ્ટથી થવાની છે.