ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ફ્રુટના વેચાણ કરતા વેપારીઓના ગોડાઉન તથા દુકાનો પર તપાસ હાથ ધરી હતી. પરંતુ આ તપાસ દરમિયાન કોઈ પણ વાંધાજનક બાબત અગર પદાર્થ મળી આવ્યા ન હતા તંત્રની આ કામગીરીને લઈને લોકોમાં ભારે ચર્ચાઓ થવા પામી રહી છે.
શહેરનો પ્રત્યેક નાગરિક એ બાબતથી સારી રીતે વાકેફ છે કે શહેરમાં વેચાણ અર્થે આવતા દરેક ઋતુઓના ફળ કુદરતી રીતે પાકેલી હાલતમાં વેચાણ કરવામાં નથી આવતા માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક કેમીકલની મદદ વડે પડાવી વેચાણ કરવામાં આવે છે આ વાત જવાબદાર તંત્ર પણ સારી રીતે જાણે છે આમ છતાં કડક પગલા લેવાના બદલે આવા તત્વોને છાવરવામાં આવે છે હાલ કેરી, દ્રાક્ષ, દાડમ, ચીકુ કેળા જેવા ફળોની સિઝન ચાલી રહી છે. જે અંગે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિબાગ દ્વારા પ્રથમ જાહેરાત કરી હતી કે ફળફળાદી વેપારીઓના એકમો પર તપાસ હાથ ધરાશે ત્યારબાદ આજે તપાસ હાથ ધરી કામગીરી કર્યાનો સંતોષ માન્યો હતો અને પ્રજાને મૂર્ખ બનાવી છે.
અત્રે નોંધનીય છે કે કેરી, કેળા, ચિકુ, દ્રાક્ષ જેવા ફળો કાર્બેટ તથા અન્ય કેમીકલની મદદ વિના પકવવા શક્ય નથી ખેડુતો કાચાફળોનું વેચાણ કરે છે જેને વેપારીઓ કેમીકલની મદદથી પકવી વેચે છે આ વાત યોગ્ય કાર્યવાહી કરવાના બદલે વેપારીઓને છાવરવામાં આવી રહ્યા છે શહેરના ગંગાજળીયા તળાવ, વડવા તથા બંદર રોડ પર આવેલ અનેક ગોડાઉનોમાં આવી કેમીકલ પ્રોસેસ બે રોક ટોક થાય છે પરંતુ તંત્રના જ અધિકારીઓ દરોડા પૂર્વે વેપારીઓ તથા ભેળસેળ આચરતા તત્વોને સાબદા કરી પોતાનુ ‘સાલીયાણુ’ ફિક્સ કરી લે છે. આ બાબતની ચર્ચા લોક મુખે ચર્ચાઈ રહી છે.