કર્ણાટક, ઝારખંડ, હરિયાણા, મધ્યપ્રદેશ, ત્રિપુરા, મિઝોરમ, ગોવા અને હિમાચલ પ્રદેશના ગવર્નરોની બદલી કરાઇ : ગુજરાતના મંગુભાઇ પટેલને મ.પ્રદેશના ગવર્નર બનાવાયા, કર્ણાટકના ગવર્નર વજુભાઇ બેક ટુ હોમ, નવા ગવર્નર તરીકે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોની નિમણૂંક કરાઇ
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૬
કેન્દ્ર સરકારના મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં કેટલાક રાજ્યોમાં રાજ્યપાલ બદલવામાં આવ્યા છે. લગભગ આઠ રાજ્યોને નવા ગવર્નર મળ્યા છે. કેટલાક રાજ્યપાલની ટ્રાન્સફર કરી બીજા રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે અમુક નવા રાજ્યપાલને નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા. બીજી બાજુ, કર્ણાટકમાં રાજ્યપાલ બદલી વજુભાઈ વાળાની જગ્યાએ હવે થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા છે.કેન્દ્રીય મંત્રીની જવાબદારી સંભાળી રહેલાં થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મિઝોરમના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લેનું ટ્રાન્સફર કરીને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને ટ્રાન્સફર કરીને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બેસનું ટ્રાન્સફર કરીને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિમણૂક કરાઇ છે. બંડારુ દત્તાત્રેયને હિમાચલ પ્રદેશથી ટ્રાન્સફર કરીને હરિયાણાના રાજ્યપાલ નિયુક્ત કરાયા છે, જ્યારે ડૉ. હરિબાબુ કંભાપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવાયા છે. રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. ચર્ચા છે કે, આ કેબિનેટ વિસ્તરણમાં એકથી વધુ વિભાગનું કાર્યભાર સંભાળી રહેલાં મંત્રીઓનો બોજો ઓછો કરવામાં આવશે. મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. હાલ મંત્રીમંડળમાં ૫૩ સભ્ય છે.ઉલ્લેખનીય છે કે, ચોમાસુ સત્ર શરુ થવાને હવે માત્ર બે સપ્તાહની વાર છે તે પહેલા જ કેન્દ્રિય મંત્રીમંડળમાં વિસ્તરણની જોરદાર અટકળો ચાલી રહી છે. પીએમ મોદી પોતાના મંત્રીમંડળમાં કયા નવા ચહેરાને સ્થાન આપે છે અને કોની બાદબાકી કરે છે તેને લઈને અત્યારથી જ જાતભાતના અંદાજો માંડવામાં આવી રહ્યા છે.કેટલાક રાજ્યોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ તેમજ મંત્રીમંડળમાં ખાલી પડેલા પદોને ધ્યાનમાં લઈને આ વિસ્તરણ કરાય તેવી શક્યતા છે. સોમવારે પણ દિલ્હીમાં ૧૭-૨૨ જેટલા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવાય તેવી અટકળો ચાલી રહી હતી. નવા ચહેરામાં થોડા સમય પહેલા ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ સરબાનંદ સોનોવાલનો સમાવેશ નક્કી મનાઈ રહ્યો છે. સોનોવાલને હાલમાં જ આસામની સીએમ પદની ખુરશી છોડવી પડી છે, જ્યારે સિંધિયા લાંબા સમયથી મંત્રી બનવાની રાહ જોઈને બેઠા છે.
કયા રાજ્યના રાજ્યપાલ બદલાયા?
– થાવરચંદ ગેહલોતને કર્ણાટક
– રમેશ બૈસને ઝારખંડ
-બંડારુ દત્તાત્રેયને હરિયાણા
– મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશ
-સત્યદેવ નારાયણને ત્રિપુરા
-હરિ બાબુને મિઝોરમ
-પી.એસ શ્રીધરન પિલ્લઈને ગોવા
– રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને હિમાચલ પ્રદેશ