જીએસટી કલેક્શન જૂન માસમાં ઘટીને ૯૨,૮૪૯ કરોડે પહોંચ્યું

580

આર્થિક મોર્ચે કેન્દ્ર સરકારને મોટો ઝટકો : આ પહેલાં સતત ૮ મહિના સુધી જીએસટી કલેક્શન ૧ લાખ કરોડથી વધારે રહ્યું હતું
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૬
જીએસટીના મોરચા પર સરકાર માટે સારા સમાચાર નથી. સરકારે મંગળવારે જૂનમાં જીએસટી કલેક્શનનો આંકડો જાહેર કર્યો છે. આ વર્ષે જૂનમાં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી નીચે રહ્યું છે. આ પહેલાં સતત ૮ મહિના સુધી જીએસટી કલેક્શન ૧ લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું હતું. જૂનમાં કુલ જીએસટી કલેક્શન ૯૨,૮૪૯ કરોડ રૂપિયા રહ્યું છે.દેશમાં કોરોનાની બીજી લહેરને જોતાં મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉન અથવા આર્થિક ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો હતો. તેની અસર જીએસટી કલેક્શન પર પડી છે. જૂનમાં ૯૨,૮૪૯ કરોડ રૂપિયાના કુલ જીએસટી કલેક્શનમાં સીજીએસટીનો હિસ્સો ૧૬,૪૨૪ કરોડ રૂપિયા, એસજીએસટીનો હિસ્સો ૨૦,૩૯૭ કરોડ રૂપિયા, આઇજીએસટીનો હિસ્સો ૪૯,૦૭૯ કરોડ રૂપિયા અને સેસનો હિસ્સો ૬૯૪૯ કરોડ રૂપિયા છે.જીએસટી કલેક્શનના આ આંકડાઓમાં ૫ જૂનથી ૫ જુલાઈ સુધી થયેલ ડોમેસ્ટિક ટ્રાન્જેક્શનનાં આંકડા પણ સામેલ છે. કોરોનાની બીજી લહેરને કારણે સરકારે જીએસટી ટેક્સપેયર્સને અનેક પ્રકારની રાહતો આપી હતી. જે ટેક્સપેયર્સનું કુલ ટર્નઓવર ૫ કરોડ રૂપિયા સુધી હતું, તેઓને જૂનમાં ફાઈલ થનાર રિટર્નમાં ૧૫ દિવસના વિલંબ પર લાગતાં વ્યાજમાં રાહત આપવામાં આવી હતી.આ વર્ષે જૂનમાં જીએસટી કલેક્શનનો આંકડો ગત વર્ષ જૂનના આંકડાથી ૨ ટકા વધારે છે. જૂનના જીએસટી કલેક્શનના આંકડા આ વર્ષે મેમાં બિઝનેસ ટ્રાન્જેક્શ સાથે જોડાયેલ છે. આ વર્ષે મેમાં કોરોનાની બીજી લહેર ચરમસીમા પર હતી. આ દરમિયાન મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક અને પૂર્ણ લોકડાઉનની સ્થિતિ હતી. મેના ઈ વે બિલના આંકડાઓથી ખબર પડે છે કે આ મહિને ૩.૯૯ કરોડ ઈ વે બિલ જનરેટ થયા. એપ્રિલમાં ૫.૮૮ કરોડ ઈ બિલ જનરેટ થયા. આ રીતે એપ્રિલની સરખામણીમાં મેમાં ઈ વે બિલમાં ૩૦ ટકાથી વધારે ઘટાડો આવ્યો છે.

Previous articleલોકો પર્યટન સ્થળે પ્રોટોકોલનું પાલન કર્યા વગર ફરી રહ્યા છે, ફરી પ્રતિબંધ લાગૂ થઇ શકે છે
Next articleઅમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે આજે યોજાનાર કેબિનેટમાં નિર્ણય લેવાશે