અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે આજે યોજાનાર કેબિનેટમાં નિર્ણય લેવાશે
(જી.એન.એસ.)અમદાવાદ,તા.૬
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ બીજી બાજુ રથયાત્રાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, ત્યારે અમદાવાદમાં નીકળતી રથયાત્રા માટે આવતી કાલે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાશે, તેવી માહિતી મળી રહી છે. અમદાવાદમાં રથયાત્રાની તૈયારીના ભાગરૂપે મંદિર બહાર પોસ્ટર લગાવાયા છે. મંદિર બહાર સિરીઝ લગાવવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જોકે સરકાર દ્વારા હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરના સંતો, ટ્રસ્ટ્રીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અષાઢી બીજની સવારે રથયાત્રામાં પહિંદવિધી માટે આમંત્રણ આપ્યુ હતુ. અંદરખાને તો સરકારે ત્રણેય રથને નગરચર્યાએ લઈ જવા લીલીઝંડી આપી જ દીધી છે, પરંતુ તેના સ્વરૂપ મુદ્દે અસમંજસતા હોવાથી સત્તાવારપણે આ મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી. બીજી તરફ મંદિરના આગેવાનોને પુછયુ તો તેમણે ‘સરકાર કહેશે તો રથયાત્રા કાઢીશુ’ એમ મંજૂરીની રાહ જોઈ રહ્યાનું ઉમેર્યુ હતુ. ગુજરાત સરકારનું સંચાલન જ્યાંથી થાય છે તે ગાંધીનગર શહેરમાં રથયાત્રા નિકળવાની છે. જો કે, અમદાવાદ શહેરની ઐતિહાસિક રથયાત્રા વિષયે સરકાર અને આયોજક ટ્રસ્ટીઓએ સત્તાવાર પણે તેનું એલાન કર્યુ નથી. બીજી તરફ અમદાવાદના સરસપુરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સોમવારે મામેરાની વિધી માટેના વસ્ત્રાભૂષણો શ્રાધ્ધાળુઓના દર્શનાર્થે રહ્યા હતા.
એક સપ્તાહ પછી ૧૨ જૂલાઈને સોમવારની સવારે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે રથયાત્રા પૂર્વે યોજાતી પહિંદવિધી માટે આમંત્રણ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ મળી ચૂક્યુ છે. કોરોનાના ચેપનું સંક્રમણ અને વેક્સિનેશન કવરેજની સ્થિતિની સમિક્ષા કરીને બુધવારે યોજનારી કેબિનેટની બેઠકમાં રથયાત્રા યોજવા, તેના સ્વરૂપ અને સમય સંદર્ભે નિર્ણય થશે એમ ગૃહ વિભાગમાંથી જાણવા મળ્યુ છે.