
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૬
ગયા મહિને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન એટેક અને એ બાદ સરહદ પારથી અવાર નવાર ડ્રોને દેખા દીધી હોવાથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.
બીજી તરફ આ પ્રકારના હુમલાને રોકવા માટે સરકારે હવે ૧૦ એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદવાનો નિર્ણય લીધો છે. આ માટે સરકારે કંપનીઓ પાસેથી પ્રસ્તાવ મંગાવ્યા છે. એન્ટી ડ્રોન સિસ્ટમ એવી હશે જે ડ્રોનની ભાળ મેળવીને તેને ટ્રેક કરી શકે તેમજ તેનો ખાતમો બોલાવી શકે. આ માટે લેસર ડાયરેક્ટેડ વેપન સિસ્ટમના વિકલ્પને પણ ગણતરીમાં લેવામાં આવશે. એન્ટી ડ્રોન સિસ્ટમનો ફ્લાઈ ઝોનનુ કડકાઈ પૂર્વક પાલન કરાવી શકે તે માટે તેમાં મલ્ટી સેન્સર અને એક સાથે એકથી વધારે ડ્રોનનો નાશ કરી શકે તેવી સજજ્તા હોવી જરૂરી છે.એરફોર્સે કહ્યુ છે કે, એન્ટી ડ્રોન સિસ્ટમ સ્વદેશી વાહનો પર લગાવી શકાય તે જરૂરી છે અને સાથે સાથે આ સિસ્ટમ રૂફ ટોપ, ઓપન ગ્રાઉન્ડ પર લગાવી શકાય અને જરૂર પડે તો તેને છુટી પાડીને બીજે લઈ જઈ શકાય તેવી હોવી જોઈએ. આ સિસ્ટમનુ રડાર પાંચ કિલોમીટરની રેન્જ અને ૩૬૦ ડિગ્રી કવરેજ કરે તે પણ આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, ૨૭ જૂને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં બે ડ્રોનનો ઉપયોગ બોમ્બ ફેંકવા માટે કરાયો હતો.