(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૭
કોરોનાના કેસમાં પાછલા કેટલાક દિવસથી ઉતાર-ચઢાવ નોંધાઈ રહ્યા છે.
સતત ઘટતા કેસ ૩૫ હજારની અંદર પહોંચ્યા બાદ આજે ફરી કેસનો આંકડો ૪૦ હજારને પાર ગયો છે. ગઈકાલની સરખામણીમાં આજે ૯૦૦૦ જેટલા કેસ વધ્યા છે. ગઈકાલે કોરોનાના નવા ૩૪,૭૦૩ કેસ નોંધાયા હતા. નવા કેસની સાથે મૃત્યુઆંક પણ પાછો ૧૦૦૦ની નજીક પહોંચ્યો છે. ગઈકાલે કોરોનાના જે આંકડા સામે આવ્યા હતા તેમાં ૫૫૩ દર્દીઓના મોત નોંધાયા હતા. મહત્વનું છે કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા છૂટછાટો મળવાની શરુ થઈ ગઈ છે જેની સાથે બજારો અને રસ્તાઓ પર ટ્રાફિક ધમધમતો જોવા મળે છે. આવામાં ઘણી ભીડવાળી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું ઉલ્લંઘન થતા ખતરો વધી રહ્યો છે. લાંબા સમયથી ઘરે રહેલા લોકો હવે ફરવા બહાર નીકળી રહ્યા છે આવી સ્થિતિમાં કેસમાં વધારો થતા ચિંતા વધી છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવેલા નવા આંકડા પ્રમાણે દેશમાં વધુ કોરોનાના નવા ૪૩,૭૩૩ કેસ નોંધાયા છે. જેની સામે ૯૩૦ દર્દીઓના જીવ ગયા છે. જોકે, હજુ પણ કોરોનાના નવા કેસની સામે સજા થયેલા દર્દીઓની સંખ્યા મોટી રહી છે.દેશમાં ૨૪ કલાકમાં વધુ ૪૭,૨૪૦ દર્દીઓ સાજા થયા છે, જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૨,૯૭,૯૯,૫૩૪ પર પહોંચી છે. જ્યારે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૩,૦૬,૬૩,૬૬૫ થઈ ગઈ છે. વધુ ૯૩૦ દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૦૪,૨૧૧ થયો છે.
ભારતમાં કોરોનાના સાજા થતા દર્દીઓની સંખ્યા વધી છે તેની સાથે એક્ટિવ કેસનો આંકડો નાનો થઈ રહ્યો છે. જોકે, આજે નવા અને સાજા થયેલા દર્દીઓની વચ્ચે સામાન્ય ફરક છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૪,૫૯,૯૨૦ થઈ ગઈ છે.૧૬ જાન્યુઆરીએ દેશમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આજે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે કુલ ૩૬,૧૩,૨૩,૫૪૮ ડોઝ આપવામાં આવ્યા છે.આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં કુલ ૪૨,૩૩,૩૨,૦૯૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ૬ જુલાઈના રોજ વધુ ૧૯,૦૭,૨૧૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૪ મેના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી. ૨૩ મેના નવા કેસ સાથે કુલ કેસ ૩ કરોડને પાર થઈ ગયા છે.