CMનાં અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં પીવાના પાણીની સ્થિતિ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જળ સંગ્રહ બાબતે મહત્ત્તવનો નિર્ણય લેવાયો હતો. જેમાં રાજ્ય સરકાર હવે જળ સંગ્રહ માટે NGO મદદ લેશે તેનો નિર્ણય લેવાયો છે. ચાલુ ઉનાળે જળસંકટને ટાળવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. રાજ્યભરમાં અનેક જગ્યાઓએ પાણીની મોટી તંગી છે, જેમાં ઉત્તર ગુજરાત જેમ કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, તેમાં જળસંગ્રહ માટે કેવા પ્રકારના પગલા લઈ શકાય, અને લોકોમાં કેવી રીતે અવેરનેસ લાવી શકાય, તેમજ હાલ જે પાણીના સોર્સ છે તેનો કેવી રીતે બગાડ ન કરી શકાય તે તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યભરમાં પાણી બચાવવા માટે કામ કરતી એનજીઓને બોલાવવામાં આવી હતી. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ સહિત અધિકારીઓએ રાજ્યભરમાંથી આવેલા વિવિધ NGO સાથે બેઠક કરી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, રાજ્ય સરકાર હવે જળ સંગ્રહ માટે NGO મદદ લેશે. હાલ જે તળાવો છે, તેની સ્થિતિ સારી કરવામાં આવે તો આગામી વરસાદમાં તેમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે શું કરવું તેની ચર્ચા પણ બેઠકમાં કરાઈ હતી.