ગુજરાતે વડાપ્રધાનના ડિઝીટલ ઇન્ડીયા મિશન અને કેશલેસ ઇન્ડીયાને વેગ આપતાં રાજ્યના ૬પ લાખ ૭૭ હજાર વિદ્યાર્થીઓને મળવા પાત્ર રૂ.૧૧૮૦ કરોડની વિવિધ યોજના કીય સહાય ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરથી બેન્ક ખાતામાં જમા કરાવવાની પહેલ રૂપ સિદ્ધિ મેળવી છે. રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજીક ન્યાય અધિકારીતા વિભાગની ૬૦ જેટલી યોજનાઓ અન્વયે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, યુનિફોર્મ સહાય તથા અન્ય પોસ્ટ મેટ્રીક તેમજ પ્રી મેટ્રીક શિષ્યવૃતિ સહાય સંપૂર્ણ પણે કેશલેસ મોડમાં પારદર્શીતાથી વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં સીધી જ જમા કરાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાન મંત્રીની ડિઝીટલ ઇન્ડીયા મિશનની સંકલ્પનાને રાજ્યમાં ડિઝીટલ ગુજરાતથી સાકાર કરવા તંત્રને પ્રેરિત કર્યુ છે. તદઅનુસાર ડિજીટલ ઇન્ડીયા મિશન અન્વયે ડિજીટલ ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ડિજીટલ ગુજરાત પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પરથી ઓનલાઇન મોડમાં ૧૦૦ ઉપરાંતની સેવાઓ લાભાર્થીઓ મેળવી શકે છે.
આ પોર્ટલ ઉપર જ આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રી મેટ્રીક અને પોસ્ટ મેટ્રીકના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે યોજનાકીય લાભો ઓન લાઇન મેળવી શકે તે માટેની સેવાઓ ઉપલબ્ધ કરાવાઇ છે.