બોટાદ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિ,જિલ્લા તકેદારી અને મોનીટરીંગ સમિતિ, મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ શહેરી અને ગ્રામ્ય જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ.આ બેઠકમાં અધ્યક્ષે તમામ વિભાગના અધિકારીઓને છેવાડાના લોકો સુધી પહોંચી અનુ.જાતિના વધુમાં વધુ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળે અને જોગવાઇ સામે ચાલુ વર્ષે ૧૦૦ ટકા ભૌતિક અને નાણાંકીય લક્ષ્યાંક સિધ્ધ થાય તેવા પ્રયત્નો અત્યારથી જ કરવા અનુરોધ કર્યો હતો. મેન્યુઅલ સ્કેવેન્ઝર્સમાં કોઇ સફાઇ કામદારોને મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ કામગીરી ન કરાવવા તેમજ મેડીકલ કેમ્પ કરી તેઓનું નિયમિત ચેકઅપ થાય તેમ કરવા ઉપસ્થિત અધિકારીઓને વધુમાં સૂચનાઓ આપી હતી. માહે-માર્ચ-૨૦૨૧ અંતિત બેઠકમાં બોટાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ જિલ્લાની નાણાંકીય જોગવાઇ સામે ૮૪.૩૫ ટકા અને ગ્રાન્ટ સામે ૯૪.૭૧ ટકાનો ખર્ચ અંગેની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, જિલ્લા વિકાસ અધિકારી અમિત જોશી સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.