લોકો ટેલિવિઝનના માધ્યમથી ભગવાનના ઘરબેઠા લાઈવ દર્શન કરી શકશેભગવાનના રથ સાથે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ પાંચ વાહનો જોડાશે
ભાવનગર, તા. ૧૦
ભાવનગરમાં આગામી સોમવારે નિકળનારી ૩૬મી રથયાત્રાને લઈ જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ આયોજન કરી રથયાત્રા સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી. છેલ્લા બે વર્ષથી વ્યાપક બનીને રહેલી કોરોનાની મહામારીને પગલે ભાવનગર શહેરમાં દેશની સૌથી મોટી ત્રીજા ક્રમની રથયાત્રા યોજાઈ શકી ન હતી. જોકે સરકારે કેટલીક શરતોને આધિન આ વર્ષે રથયાત્રા યોજવા મંજૂરી આપી છે. જેમાં શહેરની ૧૭.૫ કિલોમીટરની રથયાત્રા ૫ કલાકમાં પૂર્ણ કરવામાં આવશે. બપોરે એક વાગ્યા સુધીમાં રથયાત્રા પૂર્ણ કરવાની રહેશે.ભાવનગરમાં છેલ્લા ૩૬ વર્ષોથી દર વર્ષે અષાઢી બીજના રોજ રથયાત્રા યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ રથયાત્રા યોજાશે કે કેમ તે બાબતને લઈને આજદિન સુધી સસ્પેન્સ હતું. રાજ્યની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે અને તાજેતરમાં રાજ્ય સરકારે કેટલીક શર્તો સાથે રથયાત્રા યોજવા મંજૂરી આપી હતી જેને પગલે ભાવનગર શહેરમાં પણ આ વર્ષે રથયાત્રા યોજાય એવાં ઉઝળા સંજોગોનું નિર્માણ થયું હતું. જેમાં આજે રાજ્ય સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા ભાવનગર શહેરમાં ચોક્કસ શરતો સાથે રથયાત્રા યોજવા મંજુરીની મ્હોંર મારતાં ભાવેણાના હજારો ભક્તો-શ્રધ્ધાળુઓએ સરકારની આ મંજૂરીને સહર્ષ વધાવી છે અને ભગવાનના દર્શન માટે અધિરા બન્યાં છેઆ અંગે વધુ માહિતી આપતાં ભાવનગર ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજીના મંદિરે પ્રાતઃ વિધિ સંપન્ન થયા બાદ સવારે આઠ કલાકે રથને પ્રસ્થાન કરાવાશે અને ૧૭.૫૦ કિલોમીટરના એરિયામાં નગરચર્યા કર્યા બાદ બપોરે ૧૨ઃ૩૦થી એક વાગ્યાના સમય ગાળામાં રથ પુનઃ નિજ મંદિરમાં પરત ફરશે.સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે. જેનું સંપૂર્ણ પણે પાલન રથયાત્રા સમિતિ કરશે રથયાત્રા ના રૂટ પર ૧૪૪ની કલમ લાગું કરવામાં આવી છે. આથી કર્ફ્યુ જાહેર રહેશે લોકો ટેલિવિઝનના માધ્યમથી ભગવાનના ઘરબેઠા લાઈવ દર્શન કરી શકશે. ભગવાનના રથ સાથે પાંચ વાહનો જોડાશે જે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હશે. રથયાત્રાનો બંદોબસ્ત જાળવવા માટે ૧ એસપી, ૧ એએસપી, ૧૬ ડીવાયએસપી, ૪૦ પીઆઈ, ૧૦૩ પીએસઆઇ, ૧૫૦૦ પોલીસ, ૧૮ ઘોડેસવાર પોલીસ, ૫ એસઆરપી કંપની, ૧૧૮૩ હોમગાર્ડ જવાન, ૧૬ વીડિયોગ્રાફર સહિતના સુરક્ષા કર્મીઓ, ડ્રોન કેમેરા અને બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો ખડેપગે ફરજ બજાવશે. અનેક જિલ્લાઓ માંથી પોલીસ જવાનો બંદોબસ્ત માટે આવી પહોંચ્યા છે આ વર્ષે રથયાત્રામાં ફલોટ કે પ્રસાદ વિતરણ બંધ રહેશે આકર્ષણનું કેન્દ્ર ફક્ત ભગવાનનો રથ રહેશે.