દેશમાં કોરોનાથી મોતનો આંકડો હજારને પારઃ ૨૪ કલાકમાં ૪૨,૭૬૬ નવા કેસ

413

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૦
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૨,૭૬૬ નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના કેસનો ટોટલ આંકડો ૩,૦૭,૯૫,૭૧૬ પહોચ્યો છે. છેલ્લા ૬ દિવસમાં આ ચોથો દિવસ છે જ્યારે દૈનિક કેસનો આંકડો ૪૦ હજારની ઉપર રહ્યો છે. આ પહેલા ૬ જુલાઈના રોજ દેશમાં ૩૪,૭૦૩ કેસ નોંધાયા હતા જે ૧૧૧ દિવસમાં સૌથી આછા કેસ હતા.કોરોનાથી થયેલા મોતની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૧,૨૦૬ લોકોનાં મોત થયા છે. મોતનું પ્રમાણ ૧.૩ ટકા છે. જોકે ગઈકાલના દિવસની વાત કરવામાં આવે તો એક જ દિવસમાં મોતનો આંકડો ફરી એકવાર ૩૦૦ જેટલો વધી ગયો છે. નિષ્ણાંતોને આ મોટો તફાવત ચિંતાનું કારણ દેખાય છે. નવા આંકડા સાથે દેશમાં અત્યાર સુધી કોરોનાથી મોતને ભેટેલા લોકોનો કુલ આંકડો ૪,૦૭,૧૪૫ થયો છે.તો બીજી તરફ દેશમાં રીકવરી રેટમાં વધારો થયો છે. ૨૪ કલાકમાં ૪૫,૨૫૪ લોકો સાજા થયા છે. જેથી રીકવરી રેટ વધીને ૯૨.૭૦ ટકા જેટલો થયો છે. દેશમાં હાલ કુલ ૪,૫૫,૦૩૩ એક્ટિવ કેસ છે. જે દેશમાં કુલ સંક્રમણના આંકડાના ૧.૪૮ ટકા જેટલા છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૧૯ ટકા થયો છે જે છેલ્લા ૧૯ દિવસથી સતત ૩ ટકા નીચે રહ્યો છે. તો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૨.૩૪ ટકા જેટલો છે.હાલ દેશ પર ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે આઇસીએમઆરના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૯,૫૫,૨૨૫ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪૨.૯૦ કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંતા કોરોનાની ત્રીજી લહેરના ખતરાને ખાળવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અત્યારસુધી કુલ ૩૭,૨૧,૯૬,૨૬૮ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. જે પૈકી ૩૦,૫૫,૮૦૨ રસીના ડોઝ ગઈકાલે એક દિવસમાં આપવામાં આવ્યા હતા.સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૫૬૩ નવા કેસ નોંધાય છે. આ દરમિયાન રાજ્યમાં ૧૩૦ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮,૯૯૨ કેસ નોંધાયા છે, જ્યારે ૭૩૮ લોકોનાં મોત થયા છે. તાલિમનાડુમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૬૯ લોકોનાં મોત થયા છે. કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૮ લોકોનાં કોરોનાથી મોત થયા છે.આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારે કહ્યું કે દેશ હજુ પણ મહામારીની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે અને આપણે આત્મનિરીક્ષણ કરવું પડશે કે શું આપણે એવી ભ્રામણ ધારણા બાંધીને તો નથી બેસી ગયા ને કે કોવિડ-૧૯ ખતમ થઈ ગયો છે. આ બાજુ નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વી કે પોલે કહ્યું કે ટુરિસ્ટ પ્લેસની જે તસવીરો સામે આવી છે અને જે પ્રકારે લોકો નિયમો તોડી રહ્યા છે તે ગંભીર ચિંતાનો વિષય છે. આ પ્રકારની બેદરકારી વાયરસ ફેલાવવાના જોખમને વધારશે.

Previous articleવિશ્વમાં કોરોના હજી ધીમો નથી પડ્યોઃ WHO
Next articleપેટ્રોલમાં ૩૫ અને ડિઝલમાં ૨૬ પૈસાનો વધારોઃ દિલ્હીમાં પેટ્રોલ ૧૦૦ રૂ.ને પાર