ડાનાસ દિવાનેને આગામી એપિસોડમાં મનોરંજનની સાથે ભાવિક કરી દેનારી કેટલિક ક્ષણો પણ માણવા મળશેે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૨
ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ દિવાનેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. ટીઆરપીની રેસમાં પણ આ શૉ ઘણો આગળ છે. ડાન્સ દિવાનેના આગામી એપિસોડમાં મનોરંજનની સાથે સાથે ભાવુક કરી દેનારી ક્ષણો પણ જોવા મળશે. આગામી એપિસોડમાં અનિલ કપૂર, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને ખતરોં કે ખિલાડીના હોસ્ટ રોહિત શેટ્ટી મહેમાન તરીકે પહોંચવાના છે. આ દરમિયાન જાણીતા અભિનેત્રી શગુફ્તા અલી પણ શૉમાં હાજર થશે. શૉ પર પહોંચેલા શગુફ્તા અલી પોતાની આર્થિક સ્થિતિ અને વ્યક્તિગત સંઘર્ષ વિષે વાત કરશે. શગુફ્તા અલી પોતે પાછલા ચાર વર્ષમાં જે સમસ્યાઓનો સામનો કર્યો છે તે અનુભવ શેર કરશે. શગુફ્તા જણાવે છે કે, કઈ રીતે પાછલા ચાર વર્ષમાં તેમની તમામ બચત પૂરી થઈ ગઈ છે. શગુફ્તા અલગીની વાત સાંભળીને હાજર તમામ લોકો ભાવુક થઈ જાય છે. હોસ્ટ ભારતી સિંહ તેમને ભેટી પડે છે અને માધુરી દીક્ષિત પણ સાંત્વના આપવા માટે સ્ટેજ પર આવે છે. માધુરી દીક્ષિતે ડાન્સ દિવાને ૩ની આખી ટીમ તરફથી શગુફ્તાને પાંચ લાખનો ચેક આપ્યો. આ જોઈને શગુફ્તાની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો. શગુફ્તાએ જણાવ્યું કે, મારી પાસે શબ્દો નથી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ નિર્માતા મનીષ ગોસ્વામી, અશોક પંડિત અને અશોક શેખરે પણ શગુફ્તાને આર્થિક મદદ કરી. શગુફ્તાએ શૉ પર જણાવ્યું કે, પાછલા ચાર વર્ષમાં મેં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. કારણકે કામ ઓછુ થઈ ગય હતું. મેં પોતાની કાર અને ઘરેણાં વેચીને મેનેજ કરવાનો પ્રયત્ન કર્યો. પહેલા ૨-૩ વર્ષ હું સ્થિતિ સંભાળી શકી,પરંતુ પાછલા એક વર્ષથી સ્થિતિ ઘણી કપરી બની ગઈ છે. કારણકે મારી બચત પૂરી થઈ ગઈ છે. હું પહેલા મદદ માંગવા નહોતી માંગતી. માટે મેં મારી વસ્તુઓ વેચી અને વિચાર્યું કે કામ મળશે તો સ્થિતિ સામાન્ય થઈ જશે. પછી તો મહામારીને કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ. લોકો માટે પાછલા એક વર્ષથી લોકડાઉન છે, મારા માટે તે પાછલા ચાર વર્ષથી ચાલે છે.