ભગવાન જગન્નાથ, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૬ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ નિકળ્યાં : કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ કોરોનાની એસ.ઓ.પી. સાથે જગતના નાથની રથયાત્રા નિકળી : મહારાજા નેક નામદારશ્રી વિજયરાજસિંહ ગોહિલ પણ પરંપરાગત વિધિમાં સામેલ થયાં : વર્ષમાં એકવાર ભગવાન સામેથી નગરજનોના ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે : વિભાવરીબેન દવે
ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની ૩૬ મી રથયાત્રાને શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ તેમની સાથે ભાવનગરના નેક નામદાર મહારાજશ્રી વિજયરાજસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’, હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’ ના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથ, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૬ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગરના નીજ મંદિરેથી નિકળ્યાં હતાં. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ કોરોનાની એસ.ઓ.પી. સાથે જગતના નાથની રથયાત્રા નિકળી હતી. છતાં, ભાવિકભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.
શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, વર્ષમાં એકવાર ભગવાન સામેથી નગરજનોના ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે. ભારતીય સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જેમાં ભગવાન પરિવારમાં માને છે અને પોતાના ભાઇભાંડુ સાથે લોકોના સામેથી ખબરઅંતર પૂછવાં જાય છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન મામાના ઘરે જાય છે અને પોતાના ઘરે પરત ફરે છે. આવું વિશ્વમાં માત્ર ભારતીય સંસ્કૃતિમાં જોવાં મળે છે.
તેમણે કહ્યું કે, ભગવાન જગન્નાથ આપવાવાળા ભગવાન છે. બીજા ભગવાનના હાથમાં શસ્ત્ર, શંખ હોય છે જ્યારે ભગવાન જગન્નાથ પોતાના બંન્ને હાથ ફેલાવીને કહે છે કે તમારા દુઃખ દર્દ મને વહેંચો હું તમારું ધ્યાન રાખીશ અને એટલે જ નગરજનો ભગવાનના આગમનની આતુરતાથી રાહ જુએ છે. મંત્રીએ જણાવ્યું કે, કોરોનાની મહામારીને લીધે આપણે પ્રતિવર્ષની જેમ આયોજન નથી કરી શક્યાં પરંતુ ઓનલાઇન ભગવાનના દર્શન થઇ શકશે. સાંસદ ડો. ભારતીબેન શિયાળે કહ્યું કે, કોરોનાએ આપણને નવાં પરિમાણ સાથે જીવતાં શીખવાડ્યું છે. રથયાત્રાથી આપણી ધર્મભાવના દ્વારા અનોખી શ્રધ્ધાના દર્શન થાય છે. આ શ્રધ્ધાથી આપણી સુષુપ્ત ચેતનાઓ જાગૃત થાય છે.
તેમણે કહ્યું કે, કોરોનારૂપી આફતે આપણને નવા અવસરો તરફ જવાં પ્રેર્યા છે. ભગવાન આપણને આ મુશીબતમાંથી ઉગારી સામાન્ય જનજીવન બનાવે તેવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી હતી. ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ સ્વ. ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત આ યાત્રા ૩૬ મા વર્ષે યોજાઇ રહી છે. કોરોનાએ સમાજજીવનને અસ્ત વ્યસ્ત કર્યો છે ત્યારે ફરીથી સમાજ ચેતનવંતો બની હસતો- રમતો થાય તે માટેની તેમણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી હતી.
પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ રથયાત્રા દ્વારા હિન્દુત્વનું પ્રગતિકરણ અને સશક્તિકરણ થયું છે તેમ જણાવી ઇન્ડિયા હવે તેની આધ્યાત્મિક શક્તિના બળે ‘ઇન્ડિયા’માંથી ‘ભારત’ બનવાં તરફની ગતિ કરી રહ્યું છે તે ભારતની ભાવ અને ભક્તિને કારણે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. કલેક્ટરશ્રી યોગેશ નીરગુડેએ જણાવ્યું કે, કોરોનાને કારણે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતાં આજે રથયાત્રા યોજાઇ રહી છે. આ રથયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાવનગરવાસીઓ તેમના ઘરેથી જ ભગવાન જગન્નાથની રથયાત્રાને માણે તેવી અપીલ કરી હતી.
આ રથયાત્રાને સફળ બનાવવા માટે હરૂભાઇ ગોંડલીયા અને તેમની ટીમેને મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધરીયાએ અભિનંદન આપ્યાં હતાં.
આ રથયાત્રાના પ્રસંગે સંતો- મહંતો, કોર્પોરેટરશ્રીએ, વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ રથયાત્રા સમગ્ર ભાવનગરમાં ફરી બપોર બાદ નીજ મંદિર પરત ફરશે.