રાજસ્થાનના જયપુરમાં આમેર મહેલ પર વીજળી ત્રાટકતા સેલ્ફી લઇ રહેલ ૧૧ લોકોના મોતથી ખળભળાટ મચ્યો, મ.પ્રદેશમાં ૭થી વધુના મોત નિપજ્યા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કરી વળતર જાહેર કર્યું
(જી.એન.એસ.)લખનઉ/જયપુર,તા.૧૨
ઉત્તર ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ સાથે જ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડવાને કારણે ૬૦થી વધારે લોકોનાં મોત થયાં છે. જ્યારે મધ્યપ્રદેશમાં વીજળી પડવાને કારણે ૭થી વધારે લોકોનાં મોત થયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજળી પડવાને કારણે થયેલા મૃતકોનાં પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે. પીએમઓ તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું છે કે રાજસ્થાનના અમુક વિસ્તારોમાં વીજળી પડવાને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. એને કારણે ખૂબ દુઃખ થયું. હું મૃતકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને ૧૧ જિલ્લામાં વીજળી પડવાને કારણે અંદાજે ૪૪ જેટલા લોકોનાં મોત થયાં છે, જ્યારે ૪૭ લોકો ઘાયલ છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કાનપુરની આસપાસના જિલ્લામાં ૧૮, પ્રયાગરાજમાં ૧૪, કૌશામ્બીમાં ૪, ફિરોઝાબાદ અને ફતેહપુરમાં ૩-૩, ઉન્નાવ, સોનભદ્ર અને હમીરપુરમાં ૨-૨, પ્રતાપગાઢ, કાનપુર નગર, મિર્ઝાપુર અને હરદોઈમાં ૧-૧ લોકોનાં મોત થયાં છે. ઘણી જગ્યાએ વીજળી પડવાને કારણે જાનવરોનાં પણ મોત થયાં છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીજળી પડવાને કારણે થયેલાં મોત વિશે શોકની લાગણી વ્યક્ત કરી છે. આ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોનાં પરિવારજનોને રૂ. ૪ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં સાત બાળકો સહિત ૨૦ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૨૧ લોકો ઘાયલ થયા છે. માત્ર જયપુરમાં જ આમેર કિલ્લાના વોચ ટાવર પર વીજળી પડવાને કારણે ૧૨ લોકોનાં મોત થયાં છે, જ્યારે કોટા જિલ્લામાં ચાર બાળકો અને ધૌલપુર જિલ્લામાં ૩ બાળકોનાં મોત થયાં છે.
જયપુરમાં ભારે વરસાદ દરમિયાન રવિવારે આમેર મહેલમાં બનેલા વોચ ટાવર પર વીજળી પડી હતી. અહીં ફરવા આવેલા ૩૫થી વધુ ટૂરિસ્ટ એની ઝપટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ૧૧ લોકોનાં મોત થયાં છે. ઘટનામાં અનેક લોકો પહાડી પરથી નીચે ઝાડીમાં પડી ગયા હતા. ઘાયલોમાં હજુ અનેકની હાલત ગંભીર બનેલી છે. હાલ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે. રાજ્યમાં અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ બની છે, જેમાં ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે, મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લામાં વીજળી પડવાને કારણે સાતથી વધારે લોકોનાં મોત થયાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શિવપુર જિલ્લામાં બે અને ગ્વાલિયરમાં ૨ લોકોનાં મોત થયાં છે. આ સિવાય શિવપુરી, અનુપુર અને બેતુલ જિલ્લામાં પણ ૧-૧ લોકોનાં મોત થયાં છે.