(જી.એન.એસ.)પૂણે,તા.૧૩
રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરીલ દિમિત્રીવએ ૧૩ જુલાઈના રોજ ભારતમાં રશિયન કોરોના વેક્સિન સ્પુટનિક-વી ના ઉત્પાદન અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સપ્ટેમ્બર ૨૦૨૧ થી સ્પુટનિક વી રસીનું ઉત્પાદન શરૂ કરશે. તેમણે એમ પણ કહ્યું કે સ્પુટનિક રસીનો પ્રથમ બેચનો જથ્થો સપ્ટેમ્બરમાં તૈયાર થવાની ધારણા છે. આ સિવાય કેટલાક અન્ય ઉત્પાદકો પણ આ રસી ભારતમાં બનાવવા માટે તૈયાર છે.ભારતમાં દર વર્ષે સ્પુટનિક-વી રસીના ૩૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડે જણાવ્યું હતું કે ટેકનોલોજી ટ્રાન્સફરની પ્રક્રિયાના ભાગ રૂપે, ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટને પહેલેથી જ ગમલેઆ સેન્ટરમાંથી સેલ અને વેક્ટરના નમૂનાઓ મળી ચુક્યા છે. ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી તેની આયાતની મંજૂરી સાથે જ ભારતમાં તેના ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝએ દેશના ૫૦ થી વધુ શહેરો અને નગરોમાં રશિયાની કોવિડ-૧૯ રસી સ્પુટનિક-વીનું સોફ્ટ લોન્ચિંગ કર્યું હે અને ત્યાં આ વેક્સિન પહોચાડી છે. રેડ્ડીઝ લેબોરેટરીઝે ૧૪ મી મેએ આ રસી આપી હતી અને હવે આ પાયલોટ પ્રોજેક્ટનો વિસ્તાર ૫૦ થી વધુ શહેરો અને નગરોમાં વિસ્તારવામાં આવ્યો છે. કંપનીએ ૧૨ જુલાઈને સોમવારે રાત્રે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તે આવતા અઠવાડિયામાં સ્પુટનિક-વી ના વધુ ડોઝ પહોંચાડવામાં આવશે.