૧ર ગામના ખેડૂતોએ ઘોઘા ખાતે પ્રતિક ધરણા યોજ્યા

652
bvn1342018-13.jpg

ઘોઘા તાલુકાના ૧ર ગામના ખેડૂતો દ્વારા જમીન સંપાદન મુદ્દે ઘોઘા મામલતદાર કચેરી ખાતે પ્રતિક ધરણા યોજી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. ધરણા યોજવા અંગે પૂર્વ મંજુરી ન હોવા છતા અનશન પર બેઠેલા આંદોલનકારીઓ વિરૂધ્ધ તંત્રએ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.
ઘોઘા તાલુકાના બાડી-પડવા, સુરકા સહિત ૧ર ગામોના ખેડૂતો જમીન સંપાદન કરવા મુદ્દે રાજ્ય સરકાર તથા જીપીસીએલ કંપની સામે ખુલ્લો મોર્ચો માંડ્યો છે. ખેડૂત સંઘર્ષ સમિતિના બેનર હેઠળ શરૂ કરવામાં આવેલ આ લડતનો આજે સતત ૧ર દિવસ પસાર થયા છે. આટલા દિવસો વિતવા છતા હજુ સુધી વિવાદનો અંત આવ્યો નથી. આ અંગે ગત સોમવારના રોજ ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને મળી આ આંદોલન ચલાવવા માટે જગ્યા ફાળવવાની માંગ કરી હતી પરંતુ તંત્રએ આ અંગે કોઈ મંજુરી આપવામાં આવી ન હતી. 
આથી ગત તા.૧૧-૪ને મંગળવારના રોજ ઘોઘા મામલતદાર કચેરી ખાતે મામલતદાર પાસે ઉપવાસ આંદોલન યોજવા મંજુરીની માંગ કરી હતી પરંતુ મંજુરી આપવામાં આવી ન હતી. આથી આજે સવારે મોટીસંખ્યામાં ખેડૂત પરિવારો દ્વારા ઘોઘા મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને સાંજના ૬ વાગ્યા સુધી પ્રતિક ધરણા યોજ્યા હતા. મંજુરી ન હોવા છતા ધરણા પર બેઠેલા વ્યક્તિઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું તંત્રએ ટાળ્યું હતું.

તો… સામુહિક ધરપકડ વ્હોરીશુ અને જેલમાં અનશન કરીશું..!
સરકારની આવી તાનાશાહી કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય અન્યાયનો ભોગ બની રહ્યાં છીએ તો શું અમારે અમારો હક્ક સામે ચાલીને સરકાર કંપનીના ચરણે ધરી દેવાનો ? આઝાદ ભારતમાં હક્ક અને ન્યાયની લડત લડવી એ ગુનો હોય તો એ ગુનો અમે કરીશું. આજથી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ઘોઘા મામલતદાર કચેરી ખાતે ધરણા યોજીશું. જો આ ધરણાને લઈને કાનુન ભંગ થતો હોય તો અમે સહપરિવાર જેલમાં જવા તૈયાર છીએ અને જેલમાં પણ ગાંધીજી-સ્વાતંત્ર્ય સેનાનીઓની જેમ સત્યાગ્રહ સાથે આમરણાંત ઉપવાસ કરી સરકાર તથા તંત્રની સાન અને ભાન ઠેકાણે લાવીશું.
– જયેન્દ્રસિંહ ગોહિલ, 
સભ્ય, ખેડૂત સંઘર્ષ સમિતિ, બાડી-પડવા

Previous articleભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મ
Next articleતીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ૧૩ ઝડપાયા