ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં અશ્વિનની બોલિંગ નિરાશાજનક, ફક્ત ૧ વિકેટ ઝડપી

512

(જી.એન.એસ)લંડન,તા.૧૩
ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેનું પ્રતિનિધિત્વ કરી રહેલો ભારતીય ક્રિકેટ ટીમનો ટોચનો સ્પિનર રવિચંદ્રન અશ્વિન વિકેટ માટે તરસી ગયો હતો. સમરસેટ વિરુદ્ધ રમાયેલી મેચમાં અશ્વિને ૪૩ ઓવર કરી હતી પરંતુ તેને ફક્ત એક જ વિકેટ મળી હતી.ચાર દિવસીય મેચમાં સમરસેટની ટીમ સોમવારે બીજા દિવસની રમત દરમિયાન ૧૪૮.૫ ઓવરમાં ૪૨૯ રન પર આઉટ થઈ ગઈ હતી. ટેસ્ટમાં ૪૦૦થી વધુ વિકેટ ઝડપી ચૂકેલા અશ્વિનની બોલિંગ નિરાશાજનક રહી હતી. તેણે ફક્ત એક વિકેટ ઝડપી હતી અને ૯૯ રન આપ્યા હતા. તેને એકમાત્ર સફળતા પ્રથમ દિવસે ટોમ લેમનબોયના રૂપમાં મળી હતી.દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં સરેએ વિના વિકેટે ૨૪ રન નોંધાવ્યા છે. અશ્વિન હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ સિરીઝ ચાર ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ ત્રણ સપ્તાહના બ્રેક પર છે. ટીમ ૧૫ જુલાઈએ ડરહમમાં ભેગી થશે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે ટ્રેનિંગ શરૂ કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
કાઉન્ટી મેચ પહેલા અશ્વિને સરે માટે રમવાની તક મળી તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. અશ્વિને એક વિડીયોમાં જણાવ્યું હતું કે, હું ઘણો સન્માનીત અનુભવી રહ્યો છું. મેં કાઉન્ટી ક્રિકેટ અંગે ઘણું બધું સાંભળ્યું છે અને હવે જોવા પણ મળ્યું છે. ભલે ફક્ત એક મેચ માટે જ હોય પરંતુ મને કાઉન્ટી ટીમ સાથે ડ્રેસિંગ રૂમમાં રહેવાની તક મળી તેનાથી હું ખુશ છું.

Previous articleટીમ ઇન્ડિયા ૬ ખેલાડીઓ શ્રીલંકા વિરુદ્ધ ટૂર્નામેન્ટમાં કરશે ડેબ્યૂ, ફોટોશૂટમાં જોવા મળી ઝલક
Next articleતામિલ ફિલ્મ ‘સૂરારાઈ પોટ્રુ’ની હિન્દી રીમેક બનશે, એક્ટર સુરિયાએ કરી જાહેરાત