(જી.એન.એસ)સેન્ટ લુસિયા,તા.૧૩
ક્રિસ ગેઈલ અને નિકોલસ પુરનની વિસ્ફોટક બેટિંગના દમ પર વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને ત્રીજા ટી-૨૦ મેચમાં ૬ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી ઉપર ૩-૦થી કબજો કરી લીધો છે. પહેલાં બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ઓવરમાં ૬ વિકેટે ૧૪૧ રન બનાવ્યા હતા. કેરેબિયન ટીમે જવાબમાં ૧૪૨ રનના લક્ષ્યાંકને ૩૧ બોલ બાકી રાખીને ૪ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ૩૮ બોલમાં ૬૭ રન બનાવનારા ક્રિસ ગેઈલને ’મેન ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરાયો હતો. આ ઉપરાંત કેપ્ટન પુરને અણનમ ૩૨ રન બનાવ્યા હતા. પૂરને સતત બે ચોગ્ગા લગાવીને ટીમને જીત અપાવી હતી. આ પહેલાં ઓસ્ટ્રેલિયન બેટસમેનોની કેરેબિયન બોલરો સામે એક વખત પણ કારી ફાવી નહોતી અને બન્ને મુકાબલાઓમાંથી પણ સબક ન લેતાં ૧૪૧ રન જ બનાવી શકી હતી જે લક્ષ્યાંકને કેરેબિયન ટીમ પહેલાંથી જ હાંસલ કરવા માટે હાવિ બની ગઈ હતી. ઓસ્ટ્રેલિયા વતી માત્ર હેનરિક્સ જ સૌથી વધુ ૩૩ રન બનાવી શક્યો હતો. તેના ઉપરાંત એરોન ફિન્ચે ૩૦ રન બનાવ્યા હતા. ૬૭ રન બનાવનાર ક્રિસ ગેઈલે જોશ હેઝલવુડ અને એડમ ઝેમ્પાની બેફામ ધોલાઈ કરી હતી. બીજી ઓવરના અંતિમ ચાર બોલમાં તેણે ૧૮ રન ફટકાર્યા હતા. ગેઈલે અંતિમ ચાર ઓવરમાં ૬,૪,૪,૪ માટે બાઉન્ડ્રી સુધી પહોંચાડ્યો હતો. આ ઉપરાંત ઝેમ્પાની બોલિંગમાં સતત ૩ છગ્ગા લગાવીને ૩૩ બોલમાં પોતાની અર્ધસદી પૂર્ણ કરી હતી. ફરી એક વખત ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર સંપૂર્ણ રીતે નિષ્ફળ નિવડ્યો હતો. ટીમે ૮૦ રને જ મેથ્યુ વેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી અને એરોન ફિન્ચના રૂપમાં ચાર મોટી વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન ન્ચિ પણ મેચ બાદ એ વાતનો સ્વીકાર કરી ચૂક્યો કે અન્ય મેચની જેમ આ મેચમાં પણ ટોપ ઓર્ડર ઈનિંગને આગળ લઈ જઈ શક્યો નહોતો. કેરી અને તેની વિકેટ એક જ ઓવરમાં પડી જવાથી બે નવા ખેલાડીઓએ ક્રિઝ પર આવવું પડ્યું હતું. વિન્ડિઝ વતી ઔબેદ મેકોય, ડવેઈન બ્રાવો અને ફેબિયન એલનને એક-એક તેમજ હેડન વોલ્શને બે વિકેટ મળી હતી.
Home Entertainment Sports વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને ત્રીજા ટી-૨૦માં ૬ વિકેટે હરાવ્યું, શ્રેણીમાં ૩-૦થી કબજો કર્યો