(જી.એન.એસ)સેન્ટ લુસિયા,તા.૧૩
કેરેબિયન ટીમના ‘ધ બોસ’ અને વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલે ટી૨૦ ક્રિકેટમાં એક અનોખો વિક્રમ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટી૨૦ મેચની સીરિઝની ત્રીજી મેચમાં ગેઈલ ૩૮ બોલમાં તાબડતોબ ૬૭ રન ફટકાર્યા હતા. ગેઈલે સાત છગ્ગા તેમજ ચાર ચોગ્ગા માર્યા હતા. આ સાથે જ ગેઈલે ટી૨૦ ક્રિકેટના ઈતિહાસમાં ૧૪,૦૦૦ રન પૂરા કર્યા છે. ટી૨૦માં ૧૪,૦૦૦ રનનો વિક્રમ બનાવનાર ગેઈલ વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બન્યો છે. અગાઉ આ મેચ પૂર્વે ગેઈલના ટી૨૦માં ૧૩,૯૭૧ રન હતા. ઓસ્ટ્રેલિયા સામે ૬૭ રન ફટકારીને તેણે ૧૪,૦૦૦નો માઈલસ્ટોન પાર કર્યો હતો. આ સાથે જ ટીમને છ વિકેટે જીત પણ અપાવી હતી અને વિન્ડિઝે ૩-૦થી સીરિઝ કબ્જે કરી લીધી છે. ગેઈલે ૨૦૧૬ પછી સૌપ્રથમ વખત ટી૨૦ મેચમાં અડધી સદી ફટકારી છે અને ટી૨૦ વર્લ્ડ કપ અગાઉ તેનું ફોર્મ પરત આવ્યું છે જે વિન્ડિઝ માટે સારી વાત છે. ક્રિસ ગેઈલને ત્રીજી ટી૨૦માં શાનદાર બેટિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ગેઈલે આ ઈનિંગ ડ્વેઈન બ્રાવો અને કેપ્ટન કિરોન પોલાર્ડને સમર્પિત કરતા કહ્યું કે મુશ્કેલ સમયમાં આ બન્ને સાથીઓએ તેનો સાથ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. નિર્ધારિત ઓવરમાં ઓસી. ટીમે છ વિકેટ પર ૧૪૧ રન કર્યા હતા. મોઈસિસ હેનરિક્સે ૩૩ રનની ઈનિંગ રમી હતી જ્યારે વિન્ડીઝના હેડેન વોલ્શ જુનિયરે ૧૮ રન આપીને બે વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝે ૪૩ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આંદ્રે ફ્લેચર અને લેંડ્લે સિમન્સ અનુક્રમે ચાર અને ૧૫ રને આઉટ થયા હતા. ત્યારબાદ ગેઈલના નામનું વાવાઝોડું આવ્યું હતું અને મેચમાં જીતનો પાયો નાંખ્યો હતો. ક્રિસ ગેઈલ એડમ ઝેમ્પાની ૧૧મી ઓવરમાં સળંગ ત્રણ છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી આગવા અંદાજમાં પૂર્ણ કરી હતી. નિકોલર પુરણ ૨૭ બોલમાં ૩૨ રન કરીને અણનમ રહ્યો હતો.