(જી.એન.એસ)સુરત,તા.૧૩
સુરતના પાંડેસરામાં જય અંબે જવેલર્સની દુકાનમાં ઘુસેલા માસ્ક ધારી લૂંટારુઓએ વેપારીને કટ્ટો-રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કરતા ભાગદોડ મચી ગઇ હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા ત્રણેય ઈસમોએ ચાંદીની રિંગ ખરીદવાના બહાને લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. વેપારીએ હિંમતભેર સામનો કરતા ત્રણેય લૂંટારુઓ અલગ-અલગ દિશામાં ભાગી ગયા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સંજય સોની (જવેલરી શોપના માલિક) એ જણાવ્યું હતું કે આ ઘટના સોમવારની બપોરની છે. બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમો દુકાન બહાર બાઇક પાર્ક કરી દુકાનમાં ઘુસ્યા હતા. ચાંદીની રિંગ બતાવવા કહેતા મેં ડબ્બામાંથી રિંગ કાઢી બતાવી હતી. એક રિંગ પસંદ આવી જતા ભાવ-તાલ કરી એક પછી એક દુકાનની બહાર ગયા હતા. પરત આવીને મોબાઈલ એપથી પૈસા લેશો એમ કહી વાર્તાલાભ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, ત્યારબાદ થોડી જ વારમાં ત્રણ પૈકી એકે કટ્ટો, બીજાએ ચપ્પુ અને ત્રીજાએ કોલર પકડીને બધી જવેલરી ડબ્બામાં મૂકીને આપી દેવાનું કહ્યું હતું. મેં હિંમત કરી ત્રણેય લૂંટારુઓ પર તૂટી પડ્યો હતો. દુકાનમાં જ મારા મારી કરી ત્રણેયને ધક્કો મારી દુકાન બહાર લઈ ગયો હતો. ત્યારબાદ બુમાબૂમ કરી દેતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. જેને લઈ ત્રણેય લૂંટારૂઓ અલગ અલગ ભાગ્યા હતા. લોકો અને મિત્રોએ ત્રણેયને પકડવા પણ દોડ્યા હતા. જોકે કોઈ હાથમાં આવ્યું ન હતું. હાલ પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.