(જી.એન.એસ.)સુરત,તા.૧૩
સુરત શહેરના અમરોલી અજની ઇન્ડસ્ટ્રી નજીકના રેલવે પાટા ઉપર મની ટ્રાન્સફરના વ્યવસાય સાથે જોડાયેલા ઇસમને આતરી રોકડ રૂપિયા અને બે મોબાઈલ મળી ૭.૬૦ લાખની લૂંટ કરાઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. બે બાઇક ઉપર આવેલા ૫ અજાણ્યા ઈસમો એ હરેશભાઇને લાફા મારી ગ્રાહકોના રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી ભાગી જતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. હરેશભાઇ ઉર્ફે વિનુભાઈ મોહનભાઇ ગોળવીયા (લૂંટારૂઓનો ભોગ બનેલા ઈસમ) એ જણાવ્યું હતું કે તેઓ ઓફિસથી બાઇક ઉપર પોતાના ઘરે અમરોલી સ્વીટ હાઉસ જઈ રહ્યા હતા. ત્યારે અજની ઇન્ડસ્ટ્રી રેલવે પાટા નજીક બે બાઇક ઉપર આવેલ ૫ અજાણ્યા ઈસમોએ તેમને ઉભા રાખી એકે પહેલાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લીધો હતો. ત્યારબાદ બીજાએ ગ્રાહકોના રૂપિયા ભરેલો થેલો ઝુટવી લીધો હતો. ત્રીજાએ બીજો મોબાઇલ લઈ બન્ને બાઇક ઉપર પાંચેય ઈસમો ભાગી હતા. ઘટના બાબતે તેમને તાત્કાલિક અમરોલી પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં વેડરોડ વિસ્તારમાં ચાર દિવસ પહેલાં એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતા એક કારીગરને ચપ્પુ મારી બે અજાણ્યા ઈસમો રૂપિયા ૧૩ હજારના મોબાઇલની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. કારખાનાના ત્રીજા માળે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત કારીગર ને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાતા દાખલ કરી દેવાયો હતો. હુમલાખોરો અજાણ્યા હોવાનું અને કેવી રીતે ખાનગી માલિકીના કારખાના ઘૂસી લૂંટ ચલાવી એ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.