કોંગ્રેસ સહિત વિપક્ષો દ્વારા સંસદની કાર્યવાહી ચાલવા નહીં દેવાના વિરોધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશથી આજે દેશભરની સાથોસાથ ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોકમાં સાંસદ ભારતીબેન શિયાળની આગેવાનીમાં પ્રતિક ઉપવાસ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સંસદનું સત્ર ખોરવવાના કોંગ્રેસ સહિત વિપક્ષના વલણના વિરોધમાં ભાજપ દ્વારા આજે સમગ્ર દેશમાં ૬૦૦ સ્થળોએ પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક જિલ્લામાં સાંસદોને જવાબદારી સોંપાયેલી તેના ભાગરૂપે આજે શહેરના ઘોઘાગેટ ચોક ખાતે સાંસદ ભારતીબેન શિયાળની આગેવાની હેઠળ ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં મેયર નિમુબેન બાંભણીયા, શહેર પ્રમુખ સનતભાઈ મોદી તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો, કાર્યકરો, મહિલા સભ્યો મોટીસંખ્યામાં જોડાયા હતા.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભાજપે દસેક જેટલા મોટા એરકુલરો ગોઠવી અને મોટા અવાજે માઈકો વગાડવાનું રાહદારીઓ તેમજ વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.