દાઠા પો.સ્ટેમાં નોંધાયેલ ગુનામાં મહુવાના સ્પેશ્યલ પોસ્કો જજ એમ.એસ સંધીનો ચુકાદો
દાઠા પોલીસ સ્ટેશનના પિથલપુર ગામના એક નરાધમ શખ્સે પોતાના જ સંબધીની ૧૩ વર્ષીય સગીરા સાથે અવાર નવાર દુષ્કૃત્ય આચરી સગીરાને ગર્ભ રાખી માતા બનાવી દેવાના મામલે આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.આ અંગે ગત તા.૧૬/૫/૨૦૨૦ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે ઇપીકો કલમ ૩૭૬(૨), ૩૭૬(૩), એટ્રોસિટી કલમ ૩(૧),(૨),(૫) પોકસો કલમ ૪-૫-૮ સહિત ગુન્હો નોંધાયો હતો, આ અંગેનો કેસ આજરોજ બુધવારે મહુવાની પોસ્કો કોર્ટમાં ચાલી જતા પોસ્કો જજ એમ.એસ. સંધીએ સરકારી વકીલ અરવીંદભાઇ સોલંકીની દલીલો, આધારપુરાવા, સાક્ષીઓને ધ્યાને લઇ આરોપી સામે ગુનો સાબિત માની આજીવન કેદની સજા અને રોકડા રૂપિયા ૨૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો.કેસની જાણવા મળેલી વિગતો મુજબ પીથલપુર ગામે રહેતા આરોપી મનજીભાઇ ઉર્ફે ગોપાલ કુંચા નામના આધેડે તેના નજીકના સબંધીની સગીર વયની દિકરીને વાડીએ લઇ જઇ ધાકધમકી આપી અવાર નવાર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દિધેલ અને માતા બનાવેલ. આ અંગેનો ગુનો જે તે સમયે નોંધાયો હતો. આ અંગેનો કેસ મહુવાના સ્પેશ્યલ પોસ્કો જજ એમ.એસ.સંધીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની દલીલો, આધારપુરાવા વગેરે ધ્યાને લઇ આરોપી સામે ગુનો સાબિત માની આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા અને રોકડ રૂપિયા ૨૫૦૦૦નો દંડ ફટકારેલ છે. તેમજ ભોગ બનનારને વળતર માટે પણ અદાલતે હુકમ કરેલ છે.