વડાપ્રધાનની અધ્યક્ષપદે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય : ડીએ અને ડીઆર પર લાગેલી રોક હટાવવાનો નિર્ણય, ૬૦ લાખ પેન્શનર્સ અને ૫૨ લાખ કેન્દ્રીય કર્મીને ફાયદો : સરકાર પર ૩૪૪૦૧ કરોડનો બોજો
(સં.સ.સે.) નવી દિલ્હી, તા.૧૪
લાંબા સયમથી મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહેલાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે ડીએ અને ડીઆર પર લાગેલી રોક હટાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનાથી ૬૦ લાખ પેન્શનર્સ અને ૫૨ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. પીએમ મોદીની આગેવાનીમાં બુધવારે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડ-૧૯ મહામારીના કારણે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થા પર રોક લગાવી હતી. હવે ૧ જુલાઈથી આ લાગુ થશે. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે, ડીએ ૧૭ ટકા વધારીને ૨૮ ટકા કરવાનો નિર્ણય લેવાયો છે. આનાથી સરકારી તિજોરી પર વર્ષે ૩૪,૪૦૧ કરોડ રૂપિયો ભાર વધશે. કરોનાના કારણે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનર્સધારકોને ૧ જાન્યુઆરી ૨૦૨૦, ૧ જુલાઈ ૨૦૨૦ અને ૧ જાન્યુઆરી ૨૦૨૧એ આપેલુ મોંઘવારી ભથ્થુ મોંઘવારી રાહતના ત્રણ હપ્તા પર રોક લગાવી હતી. ત્રણેય હપ્તા મળને કુલ ડીએ વધારીને ૨૮ ટકા થઈ જશે. આનાથી ૫૦ લાખથી પણ વધારે કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનર્સને ફાયદો થશે.
કેન્દ્રીય કર્મચારીઓને હાલ ૧૭ ટકા ડીએ મળે છે. પરંતુ, પાછલા ત્રણ હપ્તાને જોડીને હવે ૨૮ ટકા થઈ જશે. જાન્યુઆરી ૨૦૨૦માં ડીએ ૪ ટકા વધ્યુ હતું, પછી જૂન ૨૦૨૦માં ૩ ટકા વધ્યું અને જાન્યુઆરી ૨૦૨૧માં ૪ ટકા વધ્યું છે. હવે આ ત્રણેય હપ્તાની ચુકવણી કરવામાં આવશે. ગયા વર્ષે કેન્દ્રીય મંત્રી કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે ડીએમાં વધારો કરવાનું એલાન કર્યું હતું, પરંતુ કોવિડ-૧૯ના કારણે તેના પર રોક લગાવવામાં આવી હતી. કોવિડ-૧૯ના કારણે નાણાં મંત્રાલયે જૂન ૨૦૨૧ સુધી ૫૦ લાખથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ૬૦ લાખથી વધારે પેન્શનર્સધારકો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવા પર રોક લગાવવા સહમતિ વ્યક્ત કરી હતી. મોંઘવારી ભથ્થુ વેતનનો એક ભાગ હોય છે. આ કર્મચારીઓના મૂળ વેતનનો એક નિશ્ચિત ભાગ હોય છે. દેશમાં મોંઘવારીની અસરને ઓછી કરવા માટે સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપતી હોય છે. જેને સમયાનુસર વધારવામાં આવે છે. પેન્શનર્સને ડીઆરનો પણ લાભ મળે છે. ડીએની ગણતરી માટે સરકાર ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત મોંઘવારી દરને આધાર માને છે અને એના આધારે દર બે વર્ષે સરકારી કર્મચારીઓનું ડીએમાં સુધારો વધારો કરવામાં આવે છે.આ પહેલાં જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (જેસીએમ)ની નેશનલ કાઉન્સિલની ૨૬ જૂને અધિકારીઓ સાથે મીટિંગ થઈ હતી. જેમાં સાતમા પગારપંચ હેઠળ મોંઘવારી ભથ્થાના બાકીના હપ્તાને ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તાની ચૂકવણી થઈ નથી. મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે, કર્મચારીઓના બાકીના હપ્તા સહિત તમામ હપ્તાની ચૂકવણી સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે.