છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૧,૦૦૦ લોકો સ્વસ્થ થયા
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૪
ફરી એકવાર દેશમાં કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો નોંધાયા બાદ ફરી નવા કેસમાં વધારો થયો છે. ગઈકાલની સરખામણીમાં આજે ૭૦૦૦ જેટલા નવા કેસ વધ્યા છે. બીજી તરફ મૃત્યુઆંક ઘટીને ૧૦૦૦ની અંદર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૮,૭૯૨ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક ઘટીને ૬૨૪ પર પહોંચ્યો છે. ગઈકાલે મૃત્યુઆંક ૨૦૨૦ પર પહોંચી જતા ચિંતા વધી હતી, જોકે, આજે ફરી સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. ભારતમાં કોરોનાના વધુ ૪૧,૦૦૦ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૦૧,૦૪,૭૨૦ થઈ ગઈ છે, જ્યારે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩,૦૯,૪૬,૦૭૪ થઈ ગઈ છે. કોરોનાના સાજા થયેલા દર્દીઓની સંખ્યા સતત વધવાના કારણે એક્ટિવ કેસ ઘટીને ૪,૨૯,૯૪૬ પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪,૧૧,૪૦૮ દર્દીઓના મોત થઈ ગયા છે.
દેશમાં કોરોનાને હરાવવા માટે ચાલતા રસી અભિયાનમાં ગઈકાલે વધુ ૩૭,૧૪,૪૪૧ ડોઝ આપવામાં આવ્યા છે, જેની સાથે કુલ ડોઝની સંખ્યા વધીને ૩૮,૭૬,૯૭,૯૩૫ થઈ ગઈ છે.
આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૧૩ જુલાઈ સુધીમાં કુલ ૪૩,૫૯,૭૩,૬૩૯ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે વધુ ૧૯,૧૫,૫૦૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ હરિયાણાની સ્થિતિ પડોશી રાજ્યો કરતા સારી છે. પંજાબ, યુપી, હિમાચલ અને દિલ્હીની સરખામણીએ હરિયાણાનો રિકવરી દર વધારે છે. સાથે સંક્રમણનો દર ઓછો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ હરિયાણાનો રિકવરી દર ૯૮.૬૪ ટકા છે. જ્યારે તેની સરખામણીએ દિલ્હીમાં ૯૮.૨ , હિમાચલ પ્રદેશનો ૯૭.૭ , ઉત્તર પ્રદેશનો ૯૮.૬ અને પંજાબનો ૯૭ ટકા છે. મૃત્યુદરની વાત કરીએ તો હરિયાણામાં ૧.૨૪ ટકા છે. બીજા રાજ્યોમાં પંજાબની ૨.૭ , દિલ્હીનો ૧.૭ , હિમાચલ પ્રદેશનો ૧.૭ અને યુપીનો ૧.૩ ટકા છે.