રવિવારે લખનઉમાં જે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પાસેથી ઉત્તર પ્રદેશના અનેક શહેરોના નક્શા મળ્યા છે, તપાસ શરૂ કરાઈ
(સંપૂર્ણ સ. સેવા) શ્રીનગર,તા.૧૪
જમ્મુ અને કાશ્મીરના પુલવામા સેક્ટરમાં બુધવારની સવારે ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા છે જ્યારે અન્ય આતંકવાદીઓની તલાશ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કાશ્મીરના આઇજીપીએ જણાવ્યું કે, એન્કાઉન્ટરમાં કમાન્ડર એઝાઝ ઉર્ફે અબુ હુરૈરા ઉપરાંત બે સ્થાનિક આતંકવાદી ઠાર મરાયા છે. મળતી જાણકારી મુજબ, ભારતીય સુરક્ષાદળોને ઇન્ટેલિજન્સ જાણકારી મળી હતી કે, પુલવામા સેક્ટરમાં કેટલાક આતંકવાદી છુપાયેલા છે. તેના આધાર પર સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસની સાથે મળી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પોતાને ઘેરાતા જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું અને વિસ્તારમાં જ ક્યાંક છુપાઈ ગયા.
બીજી તરફ, ઉત્તર પ્રદેશ પોલીસ એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. રવિવારે લખનઉમાં જે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પાસેથી ઉત્તર પ્રદેશના અનેક શહેરોના નક્શા મળ્યા છે. એટીએસના સૂત્રો મુજબ, અલ-કાયદા સમર્થિત આ આતંકવાદી કોઈ મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. અહેવાલો મુજબ, આ આતંકવાદીઓએ કોઈ વેબસાઇટ જોઈને બોમ્બ બનાવવાનું શીખ્યા હતા. અલ-કાયદાના બે સંદિગ્ધે પૂછપરછમાં જણાવ્યું કે આતંકવાદીઓએ માત્ર ૩૦૦૦ રૂપિયામાં પ્રેશર કુકર બોમ્બ તૈયાર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં ૩ આતંકીઓ ઠાર થયા છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ મળીને જોઈન્ટ ઓપરેશન ચલાવી રહી છે. વિસ્તારમાં હાલ સર્ચ અભિયાન ચાલુ છે. સુરક્ષાદળોને આતંકીઓ પાસેથી હથિયારો અને ગોળા બારૂદ ઉપરાંત આપત્તિજનક સામગ્રી પણ મળી છે. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મંગળવારે મોડી રાતે અથડામણ શરૂ થઈ હતી. વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. મંગળવારે જિલ્લા હોસ્પિટલની પાસે આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરતા સુરક્ષાદળોએ પણ જવાબી ફાયરિંગ કર્યું. જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે જણાવ્યું કે અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓમાં પાકિસ્તાનનો રહીશ લશ્કર એ તૈયબા કમાન્ડર એઝાઝ ઉર્ફે અબુ હુરૈરા પણ સામેલ છે. આ ઉપરાંત સુરક્ષાદળોએ બે સ્થાનિક આતંકીઓને પણ ઠાર કર્યા. જેમની હજુ સુધી ઓળખ થઈ નથી. આ અગાઉ પુલવામામાં ૮ જુલાઈના રોજ સુરક્ષાદળોની સાથે અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. આ જ દિવસે જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં થયેલી અથડામણમાં પણ બે આતંકી ઠાર થયા હતા. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના કિફાયત રમજાન સોફી અને અલ બદ્રના ઈનાયત અહેમદ ડાર તરીકે થઈ હતી.