કોરોના વકરતા કેરળમાં ૧૭-૧૮ જુલાઈએ લોકડાઉન

604

આ બે દિવસો દરમિયાન બેંકો અને નાણાંકીય સંસ્થાઓને પણ કામકાજ બંધ રાખવા માટેનો કડક આદેશ અપાયો
(સંપૂર્ણ સ. સેવા) તિરુવનંતપુરમ, તા.૧૪
કોરોના અટકવાનું નામ ના લઈ રહ્યો હોવાની ચિંતાઓ વચ્ચે કેરળે બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ગુજરાત સહિતના રાજ્યો સહિત આખા દેશમાં કોરોનાની બીજી લહેર જાણે સમાપ્ત થઈ રહી છે, પરંતુ કેરળમાં સ્થિતિ હજુય ગંભીર છે. કેરળ સરકારે બહાર પાડેલા આદેશ અનુસાર, રાજ્યમાં ૧૭-૧૮ જુલાઈ એટલે કે શનિ-રવિના રોજ સંપૂર્ણ લોકડાઉન રહેશે.
અગાઉના લોકડાઉન માટે જે પ્રમાણે ગાઈડલાઈન ઈશ્યૂ કરવામાં આવી હતી તે જ ગાઈડલાઈન આ લોકડાઉન માટે પણ અમલી રહેશે. આ બે દિવસો દરમિયાન બેંકો અને નાણાંકીય સંસ્થાઓને પણ કામકાજ બંધ રાખવાનો આદેશ અપાયો છે. બે દિવસના લોકડાઉન દરમિયાન જોકે જીવનજરુરી ચીજવસ્તુઓની દુકાનો સાંજે ૮ વાગ્યા સુધી ખૂલ્લી રહેશે. મંગળવારે કેરળમાં કોરોનાના ૧૪,૫૩૯ નવા કેસ નોંધાયા હતા અને રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૨૪ લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યારસુધી કોરોનાના ૩૦.૮ લાખ કેસ નોંધાયા છે, જેમાંથી ૨૯.૫૭ લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે ૧૪,૮૧૯ લોકોના મોત થયા છે. કેરળ સિવાય મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોમાં ખાસ ઘટાડો નથી થયો. રાજ્યમાં હાલની તારીખે પણ રોજના સાત હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. મંગળવારે પણ રાજ્યમાં ૭,૨૪૩ કેસો નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસોમાં ઘટાડો થતાં મોટાભાગના રાજ્યોમાં હોસ્પિટલો ખાલી થઈ ગઈ છે અને જનજીવન પણ સામાન્ય બની રહ્યું છે. જોકે, કેરળમાં ઉલ્ટો પ્રવાહ જોવા મળી રહ્યો છે. દેશમાં સૌ પ્રથમ કોરોનાની દર્દી કેરળની જ હતી, જેને પણ ફરી ચેપ લાગ્યો હોવાના ગઈકાલે અહેવાલ આવ્યા હતા. કોરોનાના કેસોમાં ઘટાડો થતાં લોકો માસ્ક પહેરવાનું ભૂલી રહ્યા છે, અને જ્યાં-ત્યાં ભીડ કરી રહ્યા છે. જેના પર એક્સપર્ટ્‌સ પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. ગઈકાલે પીએમ મોદીએ પણ લોકોને ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે ટકોર કરી હતી. સરકાર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે ત્રીજી લહેરની ચેતવણીને લોકો જાણે ચોમાસાની આગાહી માફક સાવ હળવાશથી લઈ રહ્યા છે. એક તરફ ત્રીજી વેવ આવવાનો ખતરો ઉભો જ છે, ત્યારે વેક્સિનેશનની ગતિ ધીમી પડી જતાં પણ એક્સપર્ટ્‌સ ચિંતિત છે. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી વેક્સિનનો પૂરતો જથ્થો ના હોવાથી તેની કામગીરીને ગંભીર અસર પડી છે. ગુજરાતમાં તો કેટલાક દિવસ વેક્સિનેશન સંપૂર્ણપણે બંધ પણ રાખવામાં આવ્યું હતું.

Previous articleસુરક્ષા દળો-આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર
Next articleકમલનાથને કોંગ્રેસ કાર્યકરી અધ્યક્ષ બનાવાય તેવા સંકેત