પાટનગરમાં આવેલા સેક્ટર ૨૬ પાસેના ચેહરનગરમાં પાણીની તંગી પડી રહી છે. માલધારી સમાજ વર્ષોથી વસવાટ કરે છે, પરંતુ તંત્ર દ્વારા પાણની વ્યવસ્થા કરવામાં આવી નથી. આજે ગુરૂવારે ગોપાલક રચનાત્મક સમિતિ દ્વારા સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદન આપ્યુ હતુ. માટલા ફોડીને સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટેન્કર માફતે પાણી લાવીને ગુજરાન ચલાવામા આવે છે.
રાજ્યમાં પાણનીની તંગી પડી રહી છે. સૌરાષ્ટ્ર અને બનાસકાંઠમાં તો પાણી માટેની રામાયણો જોવા મળી રહી છે. લોકો દુરદુરથી માથે બેડા લઇને કે પછી ટેન્કર દ્વારા રૂપિયા ખર્ચ કરીને પાણી મંગાવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર શહેરમાં પણ પાણીની સમસ્યાને લઇને માટલા ફૂટી રહ્યા છે. સેક્ટર ૨૬ પાસે ચેહરનગરમાં રહેતા માલધારી સમાજને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અનેકવાર સરકારમાં રજૂઆત કરવા છતા નિરાકરણ નહિ આવતા આખરે ગોપાલક રચનાત્મક સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ત્યારે પ્રમુખ જીતુ રાયકા અને મહામંત્રી ભાવેશ દેસાઇએ કહ્યુ કે માલધારી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યો છે.
ઢોર ઢાંખર હોવાથી પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે કલેક્ટરને આવેદન આપી એક સપ્તાહની મુદત આપવામાં આવી છે. જો સમસ્યાનુ સમાધાન નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. ધરણામાં મોટી સંખ્યામાં માલધારી સમાજ હાજર રહ્યો હતો.