બોટાદ એલસીબી એ રૂ,૫,૩૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો
બોટાદ એલસીબી ની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમી આધારે બે વાહન ચોરોને ઝડપી તેનાં કબ્જામાં રહેલ ૨૪ બાઈક મળી કુલ રૂ.૫,૩૫,૦૦૦ નો મુદ્દામાલ હસ્તગત કરી ૯ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.સમગ્ર બનાવ અંગે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરીથી જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ એલસીબી ની ટીમ શહેર-જિલ્લા કાયદો વ્યવસ્થા બરકરાર રાખવા સાથે દારૂ, જુગાર ચોરી લૂંટ જેવાં અપરાધોને અંકુશ માં રાખવા સતત પ્રયત્નશીલ હોય જે અંતર્ગત તાજેતરમાં એલસીબી ની ટીમ શહેરની ભાગોળે પેટ્રોલિંગ માં હતી. એ દરમ્યાન બાતમીદાર પાસેથી પોલીસ જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ ગઢડા તરફથી નંબર પ્લેટ વિનાનું શંકાસ્પદ બાઈક સાથે બોટાદ શહેરમાં આવી રહ્યો છે જે માહિતી આધારે ટીમે તાજપર ચોકડી પાસે વોચ ગોઠવી તપાસમાં હતાં એ દરમ્યાન બાતમીદારે વર્ણવેલ માહિતી મુજબનો એક શખ્સ બાઈક સાથે પસાર થતાં ટીમે તેને અટકાવી નામ-સરનામું તથા બાઈકના દસ્તાવેજ-કાગળો તપાસ માટે માંગ્યાં હતાં આથી શખ્સે પોતાનું નામ મહેશ ભૂપત બાવળીયા ઉ.વ.૩૬ રે.બોટાદ વાળો હોવાનું જણાવેલ તથા તેની પાસે રહેલ બાઈક અંગે યોગ્ય દસ્તાવેજ કે સંતોષકારક જવાબ ન આપી શકતા આ શખ્સને પોલીસ મથકે લાવી યુક્તિ-પ્રયુક્તિ સાથે આગવી ઢબે પુછપરછ કરતાં તેની પાસે રહેલ બાઈક ચોરી કરી ફેરવતો હોવાની કેફિયત આપી હતી. આ અંગે ઊંડાણ પૂર્વક તપાસ સાથે પુછપરછ નો દૌર લંબાવતા એક બાદ એક વાહન ચોરીની કબૂલાત આપી હતી અને આ કામમાં એક સાગ્રીત મુકેશ વના ધોરીયા ઉ.વ.૩૦ રે.નાના પાળીયાદ જિ.બોટાદ વાળો પણ સામેલ હોવાનું જણાવતાં એલસીબી એ તેને પણ ઉઠાવી પુછપરછ હાથ ધરતા આ શખ્સના કબ્જા તળેથી પણ ચોરાવ બાઈકો હાથ લાગી હતી આમ આ બંને શખ્સોએ બોટાદ, બરવાળા, પાળીયાદ, ધોળા તથા સુરેન્દ્રનગર માથી બાઈકો ચોરી કરી હોવાની વાત જણાવતાં એલસીબી ની ટીમે કુલ ૨૪ બાઈકો રૂપિયા,૫,૩૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી નવ જેટલી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો આ અંગે પોલીસે વધુ ચોરીઓ નો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.