ઉત્તર પ્રદેશે કોરોના ફેલાતો રોકવા અભૂતપૂર્વ કામ કર્યું, જે બીમારીઓના ઇલાજ માટે દિલ્હી-મુંબઇ જવું પડતું હતું તેની સારવાર હવે કાશીમાં ઉપલબ્ધ
(જી.એન.એસ)લખનઉ,તા.૧૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીનો પ્રવાસ કર્યો હતો. જ્યાં વડાપ્રધાને ૧૫૦૦ કરોડની યોજનાઓ લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા હતા. તે બાદ વડાપ્રધાને સ્થાનિક લોકોને સંબોધિત કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે કાશી તો સાક્ષાત શિવ છે. હવે છેલ્લા ૭ વર્ષમાં ઘણા વિકાસના પ્રોજેક્ટ્સ દ્વારા કાશીનો શ્રુંગાર થઈ રહ્યો છે, તો રુદ્રાક્ષ વિના આ શ્રુંગાર કેવી રીતે પૂર્ણ થઈ શકે? હવે કાશીએ આ રુદ્રાક્ષ ધારણ કરી લીધો છે, તો કાશીનો વિકાસ વધુ ચમકશે અને કાશીની સુંદરતામાં વધુ વધારો થશે. મને પૂરો વિશ્વાસ છે કે મહાદેવના આશીર્વાદથી આવતા દિવસોમાં આ સેન્ટર કાશીને નવી ઓળખ આપશે અને કાશીના વિકાસને નવી ગતિ આપશે. રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરના નિર્માણમાં મદદ કરનાર જાપાનના વખાણ કરતાં મોદીએ કહ્યું કે આજના કાર્યક્ર્મમાં વધુ એક નામ લેવાનું હું નહીં ભૂલી શકું. જાપાનથી જ મારા મિત્ર શિંઝો આબે જી. રુદ્રાક્ષના વિચાર ઉપર મેં તેની સાથે લાંબી ચર્ચા કરી. તેમણે તરત જ તેના અધિકારીઓને આ વિચાર પર કામ કરવા જણાવ્યું. તેમની સંસ્કૃતિ છે પરફેકશન અને આયોજન. આની સાથે જ તેના પર કામ શરૂ થયું અને આજે આ ભવ્ય ઇમારત કાશીની સુંદરતા વધારી રહી છે.આ પહેલા કાશીના BHU માં વડાપ્રધાને ૧૫૦૦ કરોડની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં ઉત્તર પ્રદેશ સરકારની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું.
મોદીએ ભારત માતની જય અને હરહર મહાદેવ બોલ્યા પછી પોતાની વાત શરૂ કરી. તેમણે કાશીના લોકો સાથે મૈથિલીમાં વાત કરતા કહ્યું કે લાંબા સમય પછી આપ બધાની સાથે સીધી મુલાકાતની તક મળી. કાશના તમામ લોકોને પ્રણામ. સમસ્ત લોકોના દુઃખ હરનાર ભોલેનાથ, માતા અન્નપૂર્ણાને પ્રણામ. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમા ૬ વખત સીએમ યોગી આદિત્યનાથના કામકાજના વખાણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ૨૦૧૭ પહેલા પણ દિલ્હીથી યુપી માટે પૈસા મોકલવામાં આવતા હતા પરંતુ ત્યારે લખનઉંમાં અટકી જતા હતા. આજે યોગી મહેનત કરી રહ્યા છે, ખુદ સીએમ યોગી અહી પર આવીને વિકાસ કામોને જુવે છે. સીએમ યોગી દરેક જિલ્લામાં જાય છે અને અલગ અલગ કામ પર નજર રાખે છે, આ કારણે યુપીમાં બદલાવ થઇ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે માફિયા રાજ અને આતંકવાદ જે બેકાબુ થઇ રહ્યા હતા, હવે તેમની પર કાયદાનો શકંજો છે. યુપીમાં હવે કાયદાનું રાજ છે. આજે ગુનેગારોને ખબર છે કે તે કાયદાથી બચી નહી શકે. યુપીની સરકાર આજે ભ્રષ્ટાચાર અને ભાઇ-ભતીજાવાદથી મુક્ત છે, યુપીની સરકાર વિકાસવાદથી ચાલી રહી છે. યુપીમાં જનતાની યોજનાઓનો લાભ સીધો જનતાને મળી રહ્યો છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બીજી લહેર દરમિયાન ઉત્તર પ્રદેશના મેનેજમેન્ટની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે યુપીની જનસંખ્યા કેટલાક દેશથી પણ વધુ છે, છતા પણ અહીની સરકાર, લોકોએ કોરોનાની બીજી લહેરને સંભાળી લીધી છે. મોદીએ તેમના ભાષણમાં ખેડૂતોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું અમારી ખેતી સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ આધારિત કારોબારથી જ ભારત આત્મનિર્ભર બનશે. તાજેતરમાં જ સરકારે તેના માટે મોટો નિર્ણય લીધો છે. દેશમાં આધુનિક કૃષિ માટે એક લાખ કરોડના વિશેષ ફન્ડનો લાભ મંડિયોને પણ મળશે. તેનાથી મંડી આધુનિક બનશે. સરકારી ખરીદી સાથે જોડાયેલી સિસ્ટમને સરળ બનાવી તે અમારી પ્રાથમિકતા છે. ઘઉંની રેકોર્ડ સરકારી ખરીદી તેનો પુરાવો છે. આપણા લંગડા અને દશહરીએ આપણી ઓળખ બનાવી છે. તેનાથી નાના ખેડૂતોને સૌથી વધુ લાભ થશે.